/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/11/18155225/maxresdefault-196.jpg)
તહેવારો સમાપ્ત થવાની સાથે જ અમદાવાદમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં અચાનક વૃદ્ધિ થઈ છે. લોકો મોટી સંખ્યામાં બજારોમાં તેમજ અન્ય સ્થળો પર ખરીદી કરવા માટે ભીડ જમાવતા હતા જેને કારણે લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે. બીજી તરફ, સતત કેસોમાં વધારો થતાં હવે લોકોમાં ફરી કોરોનાનો ભય જોવા મળ્યો છે. આજે સવારથી જ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાના મફત ટેસ્ટના કેમ્પ પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. લોકોએ પોતાના પરિવાર સાથે જ કોરોના ટેસ્ટ કરાવવા કલાકોથી લાઈન લગાવી હતી
દિવાળી તહેવારો શરૂ થતાં જ અમદાવાદ શહેરની બજારોમાં કીડિયારું ઊભરાયું હોય એ રીતે લોકો ફરતા જોવા મળતા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સથી લઈ માસ્કનું પણ પાલન કરતા નહોતા. બેખોફ બનીને ફરનારી આ ભીડને લાગતું હતું કે કોરોના હવે ગયો, વાસ્તવમાં એ ગયો નથી, પણ વધુ ગંભીર બનીને ત્રાટકી રહ્યો છે. આ સ્ફોટક સ્થિતિને પગલે 16 નવેમ્બરે આરોગ્યમંત્રી નીતિન પટેલ પણ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. એક સમયે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ ઘટી રહ્યા હતા, પણ દિવાળીના તહેવારો બાદ હવે દર્દીઓ 50 ટકાથી વધી ગયા છે, તેમાં પણ હાલ સામાન્ય દર્દીઓ કરતાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
તો બીજીબાજુ શહેરમાં અલગ અલગ કોરોના ટેન્ટમાં ટેસ્ટ કરાવવા માટે સવારથી લાંબી લાઈનો લાગી છે. દિવાળી બાદ તાવ શરદી અને ઉધરસ ની ફરિયાદો વધતા આ ટેસ્ટ ટેન્ટ ફરી શરુ કરવામાં આવ્યા છે. સ્થાનિકો અને આસપાસના લોકો ટેસ્ટ કરાવવા પોહચી રહયા છે. આમ તહેવાર બાદ અમદાવાદવસીઓમાં કોરોનાનો ભય ફેલાયો છે.
ટેસ્ટ કરાવવા આવનાર લોકો પણ હવે માની રહયા છે કે બેદરકારી ભારે પડી રહી છે. સહેરોજનોએ સતર્ક રેહવું પડશે અને માસ્ક પહેરવું સામાજિક અંતર રાખવું જરૂરી છે. એએમસી દ્વારા વિના મુલ્યે ટેસ્ટ કરવામાં આવતા હોવાથી આ ટેન્ટ પર ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો અહીં ટેસ્ટ કરાવવા પોહચી રહયા છે.