રાજ્યમાં અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. એક જ દિવસમાં રાજ્યમાં સૌથી વધારે કોરોના કેસ અમદાવાદમાં આવી રહ્યા છે. અમદાવાદમાં પ્રતિ દિવસ 3 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારની ચિંતા વધતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે સ્થિતિનો તાગ મેળવવા આવી પહોચ્યા હતા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે સ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે આરોગ્ય અગ્રસચિવ, આરોગ્ય કમિશનર પણ આવ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન સહિતની સુવિધા અંગે માહિતી મેળવી વણસતી જતી પરિસ્થિતિને પહોંચી વળવા શું કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી હતી. તો સાથે જ સિવિલ કેમ્પસમાં અલગ અલગ કોવીડ હોસ્પિટલોની મુલાકાત લઈ નિષ્ણાત તબીબો સાથે બેઠક કરી હતી.
કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. રાજયના દરેક જિલ્લામાં સંક્રમણ ફેલાયું છે. હાલ કોર ગ્રુપની સૂચના પ્રમાણે તમામ કામગીરીઓ ચાલી રહી છે. 108 ઈમરજન્સી સેવામાં પણ ઘણા કેસ આવી રહ્યાં છે. 108માં હજુ પણ 300થી 400 કોલનું વેઇટિંગ છે. ડૉક્ટર્સ અને સ્ટાફ રજા લીધા વિના કામ કરી રહ્યા છે. યુ.એન.મહેતા હોસ્પિટલમાં વધુ 160 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજનો 50 ટન કરતા વધુ ઓક્સિજન વપરાય રહ્યો છે. તો સાથે જ જરૂરિયાત પ્રમાણે દર્દીઓને ઇન્જેક્શન અપાઇ રહ્યાં છે.
અમદાવાદમાં કોરોના સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે, સિવિલ સિવાય સરકારે અનેક મોટી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ જાહેર કરી છે. છતાં અનેક જગાએ બેડ ખૂટી પડ્યા છે, તો ક્યાંક ઓક્સિજનની કમી સામે આવી રહી છે, ત્યારે હાલ રાજ્ય સરકાર દ્વારા વિવિધ હોસ્પિટલોમાં સ્થિતિની સમીક્ષા કરાઇ રહી છે.