અમદાવાદ : વ્યાજની પઠાણી ઉઘરાણીઓ કરનારાઓ સામે થઇ શકશે પાસા, જુઓ શું છે ડીજીપીનો નવો પરિપત્ર

New Update
અમદાવાદ : વ્યાજની પઠાણી ઉઘરાણીઓ કરનારાઓ સામે થઇ શકશે પાસા, જુઓ શું છે ડીજીપીનો નવો પરિપત્ર

રાજયમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરનારાઓ પર લગામ કસવા માટે ડીજીપી આશિષ ભાટીયાએ નવો પરિપત્ર બહાર પાડયો છે. હાલમાં જ સરકારે  કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાશે….

જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલ નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાક –ધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના ઘણા બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. આ બદીને ડામવા માટે એક ખાસ આદેશ કરીને રાજ્ય પોલીસ વડા  આશીષ ભાટિયા દ્વારા તમામ જીલ્લા તેમજ શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા આદેશ કરવામાં આવ્યો છે.

બળજબરીથી નાણાં વસુલ કરનારાઓ સામે ગુના દાખલ કરીને, સત્વરે આરોપીઓની પુરાવા આધારે ધરપકડ કરવા આદેશ આપવામાં આવ્યો છે.   જેથી આરોપી દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે/રાહત મેળવી લેવાની શક્યતા નકારી શકાય. ઘણી વખત વ્યાજખોરો દ્વારા વ્યાજના નાણાની અવેજમાં દેણદારોની મિલકત પણ પડાવી લેવામાં આવતી હોય છે. આવા બનાવોમાં મનીલોન્ડર્સ એક્ટ હેઠળ રજીસ્ટ્રાર દ્વારા આવી મિલકત વ્યાજખોરો પાસેથી કબ્જે કરીને મૂળ માલીકને પરત અપાવવાની જોગવાઇ છે. આ જોગવાઇ સંદર્ભે પણ રજીસ્ટ્રાર મારફતે કાર્યવાહી કરાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ઉપરાંત આવા આરોપીઓ સામે PASA અને  PMLA હેઠળ પણ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

Latest Stories