અમદાવાદ : DRDO હોસ્પિટલ ખાતે પ્રથમ દિવસે જ અવ્યવસ્થા, દર્દીઓને દાખલ ન કરાયા હોવાની ફરિયાદો

New Update
અમદાવાદ : DRDO હોસ્પિટલ ખાતે પ્રથમ દિવસે જ અવ્યવસ્થા, દર્દીઓને દાખલ ન કરાયા હોવાની ફરિયાદો

અમદાવાદના જીએમડીસી ખાતે ઉભી કરવામાં આવેલી 900 બેડની હોસ્પિટલ ખાતે પ્રથમ દિવસે જ અવ્યવસ્થા જોવા મળી હતી. દર્દીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ સારવાર લેવા માટે પહોંચ્યાં ત્યારે દાખલ કરવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં કોરોના સંક્રમણ ચરમસીમાએ છે ત્યારે ઓક્સિજન અને વેન્ટિલેટરની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે શહેરની ખાનગી અને અનેક સરકારી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડયા છે ત્યારે કેન્દ્ર સરકાર તરફથી DRDO દ્વારા અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે 950 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. 24 એપ્રિલના રોજ હોસ્પિટલ શરૂ થવાની છે તેવી જાણકારી લોકોને મળતાં આજે સવારથી જ ખાનગી વાહનો અને રિક્ષામાં કોરોના પોઝિટિવ દર્દીઓ GMDC ખાતે હોસ્પિટલની બહાર પહોંચી ગયા હતા પણ અહીં કોઈને સારવાર માટે દાખલ નહિ કરવામાં આવતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 100 જેટલા લોકો દાખલ થવા માટે પુછપરછ કરવા આવ્યા હતા. જો કે હજી સુધી હોસ્પિટલ શરૂ કરવામાં આવી નથી. કામ હજી બાકી છે તેમ કહી દર્દીઓને પરત મોકલવામાં આવ્યા હતાં. સવારથી લોકો પુછપરછ માટે આવતા પોલીસ ખડકી દેવામાં આવી હતી. ડીસીપી અને એસપી સહિતના અધિકારીઓ પહોંચી ગયા હતા અને લોકોને ગેટ પરથી જ રવાના કરી દીધા હતાં.

અહીં એક મહિલા પોતાના પતિને લઇ રીક્ષામાં હોસ્પિટલ ખાતે આવી હતી. કોરોના પોઝિટિવ દર્દી પોતે હાથમાં જાતે ફાઇલ લઈ અને હોસ્પિટલ દાખલ થવા માટે આવી ગયા હતા. તેઓ 108માં બે દિવસથી ફોન કરે છે પરંતુ તેઓને વેઈટીંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને શરદી તથા ઉઘરસની તકલીફ પડતા તેઓ અહીં બેડ મળી જશે તેવી આશા લઈને દાખલ થવા આવ્યા હતા પણ અહીં ના પાડતા હવે ક્યાં દાખલ થવું તે મુશ્કેલી છે અહીં શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકો આવી રહયા છે પણ જવાબ એકજ મળે છે આજે હોસ્પિટલ ચાલુ નથી

લોકોનો આક્રોશ છે કે કાલે હોસ્પિટલ ચાલુ કરી દેવાની જાહેરાત કરી હતી તો અહીં દાખલ કેમ નથી કરવામાં આવતા અને 108 માં લાવો તોજ દાખલ કરવામાં આવશે તેવા જવાબો મળી રહયાં છે. દર્દીની સ્થિતિ નાજુક હોઈ તો તેમને દાખલ કરવા જોઈએ. આમ રાજ્ય સરકાર દ્વારા નવી બનાવેલ 900 બેડની હોસ્પિટલ ચાલુ થતા પહેલા જ વિવાદમાં આવી છે અહીં કોઈ સરકારી અધિકારી પણ હાજર નથી.

Latest Stories