અમદાવાદ : ડ્રાઇવ થ્રુ વેકસીન માટે ખાનગી હોસ્પિટલને લ્હાણી, 1,000 રૂા. લેવાતાં વિવાદ

New Update
અમદાવાદ : ડ્રાઇવ થ્રુ વેકસીન માટે ખાનગી હોસ્પિટલને લ્હાણી, 1,000 રૂા. લેવાતાં વિવાદ

રાજયમાં કોરોનાની વેકસીન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનના ફાંફા પડી રહયાં છે તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક નિર્ણયથી વિવાદ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી હોસ્પિટલને જીએમડીસી મેદાનમાં કોઇ પણ જાતનું ભાડુ લીધા વિના એક હજાર રૂપિયામાં લોકોને રસી મુકવાની છુટ આપી દેતાં કચવાટ જોવા મળી રહયો છે.

કોરોનાની વેકસીન મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત છે અને લોકો કલાકો સુધી રજીસ્ટ્રેશન માટે કોમ્પયુટર કે મોબાઇલની સામે બેસી રહે છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિનામુલ્યેના બદલે એક હજાર રૂપિયામાં રસી આપવાની શરૂઆત કરતાં વિવાદ થયો છે. અમદાવાદના જીએમડીસી મેદાનમાં ડ્રાઇવ થ્રુ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું છે અને આ કામગીરી એપોલો હોસ્પિટલને સોંપવામાં આવી છે.

આજે પ્રથમ દિવસે એક હજાર રૂપિયા ખર્ચીને પણ રસી મુકાવવા માટે અમદાવાદીઓ ઉમટી પડયાં હતાં. જીએમડીસી મેદાનની બહાર પાંચ કીમી લાંબી વાહનોની કતાર લાગી હતી. 200થી વધુ કારચાલક પોતાની ગાડી લઈને વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા છે. કોર્પોરેશન દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન માટે જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સ્પોટ પર જ રજિસ્ટ્રેશન કરી રસી મુકી આપવામાં આવે છે પણ આ બધા માટે એક હજાર રૂપિયા વસુલવામાં આવી રહયાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટના પ્રયોગ બાદ હવે વેક્સિનેશન પણ ડ્રાઇવ થ્રુ કરવામાં આવી રહયું છે. એપોલો હોસ્પિટલ તરફથી આ રસીકરણની કામગીરી કરવામાં આવશે. એક તરફ સરકાર વિનામુલ્યે રસી આપી રહી છે તો બીજી તરફ અહીં વેકસીન મેળવવા માટે લોકોને એક હજાર રૂપિયા ખર્ચવાની ફરજ પડી છે.

હવે વાત કરીશું વિવાદની. ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનની કામગીરી એએમસીની માલિકીના જીએમડીસી મેદાન પર ચાલી રહી છે ત્યાં લગાવવામાં આવેલાં બેનર્સમાં ખાનગી હોસ્પિટલના સંચાલકોએ એએમસીની જ બાદબાકી કરી નાંખી છે. વેક્સીન લેવા આવનાર લોકોનું પણ કેહવું છે કે બીજા રાજ્યોની તુલનામાં અહીં ભાવ વધારે છે લોકો સવારથી લાઈનમાં ઉભા છે અહીં ઓન સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે એક બાજુ સરકારી હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સીન માટે સ્લોટ નથી અને બીજીબાજુ અહીં ખાનગી હોસ્પિટલને બધી સુવિધાઓ આપવામાં આવી રહી છે. એપોલો હોસ્પિટલના સીઇઓએ જણાવ્યું હતું કે, જીએમડીસી મેદાનના વપરાશ માટે એએમસી સાથે કોઇ પણ પ્રકારનું ભાડુ નકકી કરાયું નથી.

વેકસીનેશન બાબતે વિવાદ થતાં કોંગ્રેસના નેતાઓએ પણ રાજયની ભાજપ સરકાર સામે મોરચો ખોલી નાંખ્યો છે. કોંગ્રેસ પ્રવકતા જયરાજસિંહ પરમારે આરોપ લગાવતા કહ્યું કે આ એક જાતનો વેપાર છે. ખાનગી હોસ્પિટલ તરફથી વેક્સીન અપાય તેમાં વાંધો નથી પણ 600 રૂપિયાની રસીમાં 400 રૂપિયાનો વહીવટી ચાર્જ કેમ લગાડવામાં આવ્યો છે તે એક સવાલ છે.

કોંગ્રેસના આરોપ અંગે રાજયના આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ હાથ ખંખેરતા જોવા મળ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કેવી રીતે ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન શરૂ થયું તે ખબર નથી મ્યુનિસિપલ કોર્પોરેશન એ નિર્ણય કર્યો છે, રાજય સરકાર કે મુખ્યમંત્રીની મંજૂરી લેવામાં આવી છે કે કેમ એ માહિતી મારી પાસે નથી.

એક તરફ રાજયભરમાં વેકસીનેશન માટે લોકોના સમયનો વ્યય થઇ રહયો છે ત્યારે વેકસીનેશનને પણ વેપારનું સાધન બનાવી દેવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોકકસ કંપનીને ફાયદો કરાવવાના નિર્ણય સામે લોકોમાં રોષ જોવા મળી રહયો છે ત્યારે શું રાજય સરકાર નાગરિકોને મફતમાં વેકસીન ઉપલબ્ધ કરાવશે ખરી તે તો આગામી સમય જ બતાવશે.

Latest Stories