અમદાવાદ : ATSના વડા હિમાંશુ શુકલા સહિત પાંચ અધિકારીને મેડલ, જુઓ કેમ કરાયું સન્માન

New Update
અમદાવાદ :  ATSના વડા હિમાંશુ શુકલા સહિત પાંચ અધિકારીને મેડલ, જુઓ કેમ કરાયું સન્માન

વડોદરાના ગોરવા વિસ્તારમાંથી આઇએસઆઇએસના કથિત આતંકવાદીને ઝડપી પાડવા સહિતની વિશેષ કામગીરી કરનાર ગુજરાત એટીએસના વડા સહિતના પાંચ અધિકારીઓને ગૃહમંત્રી વિશેષ મેડલથી સન્માનિત કરવામાં આવ્યાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શનિવારે ગૃહમંત્રી વિશેષ ઓપરેશન મેડલની જાહેરાત કરી છે, જેમાં ગુજરાત એટીએસના વડા હિમાંશુ શુકલા સહિતના પાંચ અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાં દિલ્હીના 15,કેરળના 8, કર્ણાટકના 6 અને તામિલનાડુના 5 અધિકારીઓનુ પણ ઓપરેશન મેડલથી સન્માન કરવામાં આવશે. ગુજરાત એટીએસની ટીમના જે પાંચ અધિકારીઓની ઓપરેશન મેડલ માટે પસંદગી કરવામાં આવી છે તેમાં ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુકલા, સુપરિન્ટેન્ડેન્ટ ઈમ્તિયાઝ શેખ, ડીવાયએસપી કે. કે. પટેલ, ઈન્સપેકટર વિજયકુમાર મલ્હોત્રા અને સબ ઈન્સપેકટર કે.એમ.ભુવાનો સમાવેશ થાય છે. 

વડોદરાના ગોરવા વિસ્તારના મધુનગરમાં આવેલી ખોલીમાં આઇએસઆઇએસનો કથિત આતંકવાદી જાફરઅલી રહેતો હતો. તામિલનાડુના કુલ છ ઇસમો કે જેઓ તેઓના મુળ રહેઠાણેથી ફરાર થયેલાં છે અને તેઓ સંવેદનશીલ હત્યાના ગુના સહિત વિવિધ ગુનાઓમાં સામેલ છે. તેમજ તેઓ કોઇ અજાણ્યા મિશન માટે રાજય બહાર ગયેલાં છે. આ ફરાર વ્યકતિઓમાંના કેટલાક અજાણી જગ્યાઓ ઉપર જેહાદ કરવાની વાતો કરતાં હતાં તેવા ઇનપુટ મળ્યાં હતાં. ગુજરાત એટીએસ તથા વડોદરા પોલીસની ટીમે સંયુકત ઓપરેશન હાથ ધરી મધુનગર વિસ્તારમાં રહેતાં જાફરઅલીની ધરપકડ કરી હતી. આરોપી ગુજરાતમાં પોતાનું નવું આતંકી મોડયુલ શરૂ કરવા માટે આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જાફરઅલી સહિત છ યુવાનો લાપત્તા બન્યાં હતાં તેમાંથી ત્રણને દિલ્હી નજીકથી જયારે એકને વડોદરાથી ઝડપી લેવાયો હતો. આ ઓપરેશનની કેન્દ્ર સરકારે નોધ લીધી હતી અને ઓપરેશનમાં જોડાયેલાં અધિકારીઓને મેડલથી સન્માનિત કર્યા છે.

Latest Stories