ગુજરાતમાં ફેલાયેલાં કોરોનાના વાયરસે ખાનગી બસોના સંચાલકોની હવા કાઢી નાંખી છે. બંધ બસોનો પણ ટેકસ વસુલાતો હોવાથી ટ્રાવેલ્સ એસોસીએશને તમામ બસો બંધ કરી તેને અમદાવાદ આરટીઓ કચેરી ખાતે જમા કરાવી દેવાની ચીમકી આપી છે.
ગુજરાતમાં માર્ચ મહિનાથી લાદવામાં આવેલાં લોકડાઉનના કારણે ટ્રાવેલ્સ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. મહિનાઓ સુધી ટ્રાવેલ્સની બસો બંધ રહેતાં સંચાલકોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. અનલોકમાં માંડ માંડ ટ્રાવેલ્સની બસો દોડતી થઇ ત્યારે હવે સરકારના દ્વારા લેવામાં આવતાં ટેકસે ટ્રાવેલ્સ બસોના સંચાલકોને મરણતોલ ફટકો માર્યો છે. ગુજરાતમાં દરરોજ 15 હજાર કરતાં વધારે ખાનગી બસોનું સંચાલક કરવામાં આવે છે. કોરોનાના કારણે મુસાફરોનો ધસારો ઓછો હોવાથી ટ્રાવેલ્સ કંપનીઓની અમુક બસો બંધ હાલતમાં ઉભી છે. બસો બંધ હોવા છતાં સરકાર તેનો પણ ટેકસ લઇ રહી હોવાથી ટ્રાવેલ્સ એસોસીએશનમાં રોષ જોવા મળી રહયો છે. સરકારના નિયમોને કારણે અત્યાર સુધીમાં ટ્રાવેલ્સ સંચાલકો એક હજાર કરોડ રૂપિયા ઉપરાંતનું નુકશાન સહન કરી ચુકયાં છે. મુસાફરો ન મળવાના કારણે અનેક ટ્રાવેલ્સ કંપનીઓ બંધ થવાના આરે આવીને ઉભી છે અને તમે જાણતા જ હશો કે પટેલ ટ્રાવેલ્સે તો તેમની 50 બસો વેચી પણ કાઢી છે. રાજયની બહાર દોડતી ખાનગી બસોના મુસાફરોને ફરિજયાત આરટીપીસીઆર ટેસ્ટ માં પણ હેરાનગતિ થતી હોઈ અનેક રૂટ બંધ કરવા પડયા છે.
બીજી તરફ રાજ્યમાં 20 થી વધુ શહેરોમાં રાત્રી કર્ફ્યુ હોઈ મુસાફરો મુસાફરી કરવાનું ટાળી રહયા છે.ટ્રાવેલ્સ એસો માંગણી કરી છે કે સરકાર અમારો ટેક્સ માફ કરે તેમજ રાજ્યની સરહદો પર ટેસ્ટ માટે થતી હેરાનગતિ દુર કરાવે. આ ઉપરાંત નોન યુઝ વાહનોનો જે ટેક્સ એડવાન્સ ભરવો પડે છે તેમાંથી મુક્તિ આપવામાં આવે. વધુમાં હજારો પરિવારોની રોજગારી ટ્રાવેલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે ત્યારે સરકાર ખાસ આર્થિક પેકેજ જાહેર કરે તેવી પણ માંગ ટ્રાવેલ્સ સંચાલકોએ કરી છે. જો સરકાર માંગણીઓ નહિ સ્વીકારે તો તમામ ખાનગી લકઝરી બસોને અમદાવાદ આરટીઓ કચેરી ખાતે જમા કરાવી દેવાની ચીમકી આપવામાં આવી છે. કોરોનાની મહામારી વચ્ચે મરણપથારીએ પડેલાં ટ્રાવેલ્સ ઉદ્યોગને બેઠો કરવા સરકાર શું પગલાં ભરે છે તે જોવું રહયું.
અમદાવાદ: સરકારના ટેકસે ટ્રાવેલ્સ ઉદ્યોગની કાઢી નાંખી "હવા", ટ્રાવેલ્સ એસો.ની આંદોલનની ચીમકી
New Update
Latest Stories