/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/12180045/maxresdefault-53.jpg)
ગુજરાત સરકાર ભલે સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરતી હોય પણ સોમવારના રોજ હાઇકોર્ટમાં સુઓમોટો સંદર્ભમાં હાથ ધરાયેલી સુનાવણી વેળા હાઇકોર્ટે સરકારને અણીયારા સવાલો પુછયાં હતા.
કોવિડ-19ની સ્થિતિ સંભાળવામાં ગુજરાત સરકાર નિષ્ફળ રહી હોવાનો લોકો અનુભવ કરી રહયાં છે ત્યારે મીડીયામાં પ્રસિધ્ધ થતાં અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને અણીયારા સવાલો પુછયાં છે. ગુજરાત હાઇકોર્ટના સવાલોએ સરકારના તમામ દાવાઓનો છેદ ઉડાવી દીધો છે. ગુજરાત હાઇકોર્ટે સરકારને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકોને પોતાનો જીવ જોખમમાં મુકી રેમડીસીવીર ઇન્જેકશન લેવા લાઇનોમાં ઉભા રહેવાનો શોખ થતો નથી. હાઇકોર્ટે ઇન્જેકશન બાબતે વધુ ટીપ્પણી કરતાં કહયું હતું કે, રેમડેસિવિર ઈન્જેક્શન એક જ જગ્યાએ કેમ મળે છે? લોકોને ઘરે બેઠા ઈન્જેક્શન કેમ નથી મળી શકતાં? હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં છે તો પછી હોસ્પિટલ બહાર 40 એમ્બુલન્સની લાઈન કેમ લાગે છે? આ કેસની વધુ સુનાવણી 15મીના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે.
રાજય સરકાર તરફથી દલીલો કરતાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ બીજાં રાજ્યોની વધુ વણસેલી સ્થિતિ સાથે ગુજરાતની સરખામણી કરતાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે તેમને ત્યાં જ અટકાવી દીધા હતા. તેમણે ટકોર કરી હતી કે "બીજા કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી. સામાન્ય માણસને RT-PCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4-5 દિવસ થઈ જાય છે.જ્યારે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય?
ઝાયડસની બહાર લાંબી લાઈન હતી તો કેમ, કોઈ એક એજન્સી પાસે જ બધો કન્ટ્રોલ છે?. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમુર્તિએ જણાવ્યું હતું કે, અત્યારે લોકો ભગવાનના ભરોસે છે. સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ.લોકોને એવું તો ભરોસો કરાવો કે તમે કશું કરી રહ્યો છો.કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે, નહિતર અમે કામ આપીશું. ચૂંટણી માટે બૂથવાઇઝ આંકડા અને સોસાયટીના લિસ્ટ હોય છે તમારી પાસે, એ આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથવાઇઝ કામ કરો.જરૂર ન હોય.આમ રાજયમાં કોરોનાની વકરી રહેલી સ્થિતિ તથા રેમડેસીવીર ઇન્જેકશન મુદ્દે હાઇકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢી નાંખી છે.