/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/14214626/maxresdefault-176.jpg)
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાંથી ગત તા. 4 ડિસેમ્બરના રોજ મળી આવેલ મૃતદેહ મામલે ખુલાસો થયો છે. મરનાર અને આરોપી એક જ યુવતીના પ્રેમમાં હતા. આ કારણે આરોપીએ યુવકની હત્યા કરીને તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં પોલીસે અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી ત્યાં સુધી આ કેસ આપઘાતનો જ લાગી રહ્યો હતો. આ મામલે 4 લોકો વિરુદ્ધ હત્યા કરી મૃતદેહને સગેવગે કરવાનો પણ આરોપ લાગ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઓઢવ વિસ્તારમાં મૃતક આશારામ ઉર્ફે સીતારામ બલઈ એક યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો. અવારનવાર તે યુવતી સાથે મજાક અને મસ્તી પણ કરતો હતો. બનાવના દિવસે પણ તેણે યુવતીની મસ્તી કરી હતી. આ વાતની જાણ મુખ્ય આરોપી નંદરામને થઈ હતી. નંદરામ પણ આ જ યુવતી સાથે એક તરફી પ્રેમમાં હતો. આથી નંદાએ ગત ચોથી ડિસેમ્બરના રોજ વહેલી સવારે આશારામને ગળેફાંસો આપી તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ મૃતદેહને લટકાવીને આપઘાતમાં ખપાવવાની કોશિશ કરી હતી. આરોપી અને મૃતક બન્ને એક જ કારખાનામાં કામ કરતા હતા. આપઘાત બાદ કારખાનાના માલિક ગોપાલ તિવારીને હત્યા મામલે જાણ ન થઈ જાય અને પોલીસ આવશે તેવા ડરના કારણે મૃતદેહને સગેવગે કરવા નંદરામે બાબુ પ્રજાપતિ અને મીટ્ટુ કિરને કહ્યું હતું. આ લોકોએ મૃતદેહને ફેંકી આવ્યા હતા. આ કેસમાં પોલીસ માટે મૃતદેહની ઓળખ કરવી પહેલા મુશ્કેલ હતી. મારનારે તાજેતરમાં વાળ કપાવ્યા હોવાથી પોલીસ હેર સલૂનમાં જઈ તપાસ કરી ત્યારે મૃતદેહની ઓળખ થઈ હતી. હાલ પોલીસે આ કેસમાં 4 આરોપીઓની હત્યા અને હત્યામાં મદદ કરવાના આરોપમાં ધરપકડ કરી છે. જોકે હત્યા પાછળ ખરેખર એક તરફી પ્રેમ કારણભૂત છે કે, કોઈ અન્ય કારણને લીધી હત્યા કરવમાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.