અમદાવાદ : સ્મશાનગૃહોની બહાર શબવાહિનીઓની કતાર, મોક્ષ મેળવવા પણ "વેઇટીંગ"

New Update
અમદાવાદ : સ્મશાનગૃહોની બહાર શબવાહિનીઓની કતાર, મોક્ષ મેળવવા પણ "વેઇટીંગ"

તમે અમદાવાદની હોસ્પિટલોની બહાર એમ્બયુલન્સની કતાર જોઇ હશે પણ હવે સ્મશાનગૃહની બહાર શબવાહિનીનીઓ કતાર જોવા મળી રહી છે. આ બંને સ્થિતિ અમદાવાદમાં કોરોનાથી હાલત કેટલી ભયાનક છે તેનો ચિતાર આપી રહી છે.

રાજ્યમાં કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે સૌથી મોટા મહાનગર અમદાવાદની હાલત સૌથી વધારે બદતર છે શહેરમાં અને જિલ્લામાં અનેક હોસ્પિટલો હાઉસ ફૂલ થઇ છે બેડ ખુટી પડયા છે તો દર્દીઓને ઓક્સિજન અને વેન્ટિલેટર પણ મળી રહયાં નથી. 108 એમ્બયુલન્સમાં પણ 7 થી 8 કલાકના વેઇટિંગ ચાલે છે ત્યારે શહેરીજનોમાં ડર અને ગભરાટ છે. અમદાવાદના સ્મશાન ગૃહમાં પણ હાલત બદતર થઇ રહી છે સતત 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી હવે ચીમનીઓ પણ પીગળી રહી છે અને સાથે સાથે લોકોના હૈયાઓ પણ…… શહેરમાં છેલ્લા 10 દિવસથી દરેક મુક્તિધામમાં હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવી રહયા છે. સવારના સમયે સ્મશાનમાં લાવવામાં આવતાં મૃતદેહના છેક સાંજે અંતિમ સંસ્કાર થઇ રહયાં છે. મૃતકોના પરિવારજનો ધોમધખતાં તાપમાં કુદરત અને તંત્ર સામે નિસાસા નાંખી રહયાં છે. અમદાવાદના થલતેજ સ્મશાનમાં પણ કોરોનાની અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને લોકો પોતાના સ્વજનના મૃતદેહની અંતિમવિધિ કરવાનો વારો ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે. એક સાથે અનેક મૃતદેહો અંતિમક્રિયા માટે આવતાં હોવાથી સ્મશાનના કર્મચારીઓ પણ સતત દોડધામ કરી રહયાં છે.

રાજ્યના અનેક શહેરોમાંથી ભયાનક દર્શ્યો સામે આવી રહયા છે અમદાવાદની અનેક સરકારી હોસ્પિટલો હાઉસ ફૂલ થઇ ગઈ છે સરકારે પ્રાઇવેટ હોસ્પિટલો પણ પોતાના હસ્તક લીધી છે તેમ છતાં મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે લોકો પોતાના સ્વજનની અંતિમક્રિયા માટે પણ કલાકો રાહ જોઈ રહયા છે. કોરોનાએ એવી હાલત કરી નાંખી છે કે હવે મોક્ષ મેળવવા માટે પણ વેઇટીંગમાં ઉભા રહેવું પડે છે. એક તરફ સ્વજન ગુમાવ્યાનું દુખ હોય અને બીજી તરફ અંતિમ સંસ્કાર માટેનો વલોપાત.. આવી દયનીય સ્થિતિ હાલ અમદાવાદમાં જોવા મળી રહી છે.

Latest Stories