અમદાવાદ: આખરે હવે માં કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડનો કોરોનાની સારવારમાં ઉપયોગ થઈ શકશે, વાંચો કેટલો મળશે લાભ

New Update
અમદાવાદ: આખરે હવે માં કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડનો કોરોનાની સારવારમાં ઉપયોગ થઈ શકશે, વાંચો કેટલો મળશે લાભ

રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. દરરોજ હજારોની સંખ્યામાં કેસ નોંધાય રહ્યાં છે. સંક્રમણ વધતા હોસ્પિટલમાં સારવાર માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની વચ્ચે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના દર્દીઓની સારવાર માટે મહત્વનો નિર્ણય કરાયો છે. કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં અમૃતમ-વાતસલ્ય, મા કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડનો ઉપયોગ થઈ શકશે.

દરરોજના રુપિયા 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં આ લાભ 10 મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત મળશે.

આ સિવાય કોરોના મહામારી દરમિયાન સ્મશાનગૃહોમાં મૃતદેહોના અંતિમ સંસ્કારની સેવા કામગીરી કરતાં અદના કર્મચારીઓ સહિત સ્મશાનગૃહના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરવામાં આવ્યો છે. સ્મશાનગૃહના આવા કર્મચારીઓને કોરોના વોરિયર્સ ગણીને તેમને પણ રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને મળવાપાત્ર તમામ લાભ તારીખ 1 એપ્રિલ 2020ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. સ્મશાનગૃહમાં ફરજ બજાવતા આવા કોઈ કોઈ કર્મચારીનું કોરોનાને કારણે અવસાન થાય તો તેમના પરિવાર-વારસદારોને રૂપિયા 25 લાખની સહાય પણ રાજ્ય સરકાર આપશે.

Latest Stories