/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/25125338/maxresdefault-97.jpg)
અમદાવાદના આનંદનગર વિસ્તારની ઝૂપડપટ્ટીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, ત્યારે આગ લાગવાની ઘટનાથી લોકોમાં અફરાતફરી મચી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલ રેડિયો મિર્ચી ટાવર સામેની ઝૂપડપટ્ટીમાં સવારના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે આસપાસના મકાનોમાંથી લોકોએ પણ પોતાની ઘરવખરી, સામાન સહિત ગેસના બાટલા કાઢી દૂર કર્યા હતા. બનાવની જાણ થતાં જ 15 જેટલા ફાયર ટેન્ડરો સાથે ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
તો સાથે એમ્બ્યુલન્સ સેવા અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો. ત્યારબાદ પોલીસે ઝૂપડપટ્ટીના સમગ્ર વિસ્તારને ખાલી કરાવ્યો હતો. ઝૂપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં ઘણા મકાનો હોવાથી આગને કાબુમાં લેવા ફાયરબ્રિગેડને ઘણી મુશ્કેલીઓ પડી હતી. જોકે, ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, ત્યારે હાલ આ દુર્ઘટનામાં 20થી વધુ ઝૂપડા બળીને ખાક થઈ ગયા હોવાની માહિતી મળી રહી છે.