/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/22171418/maxresdefault-70.jpg)
રાજયમાં વધી રહેલાં કોરોના સંક્રમણને કારણે રાજય સરકારની છબી ખરડાઇ રહી છે ત્યારે ભાજપે હવે મારો વોર્ડ કોરોના મુકત અભિયાન શરૂ કર્યું છે. જેમાં ભાજપના નેતાઓ વિવિધ વેકસીન સેન્ટર તથા હેલ્થ સેન્ટર ખાતે પહોંચ્યાં હતાં અને કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
અમદાવાદમાં શનિવારના રોજથી મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમદાવાદના જોધપુર વોર્ડમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર આજે ચારેય કોર્પોરેટર, ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ અને વોર્ડ પ્રભારી તથા સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ હાજર રહ્યા હતા. હેલ્થ સેન્ટર પર લોકો સાથે કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે સહિતની બાબતો જાણવાનો પ્રયાસ કર્યો હતો. વેકસીન લેવા આવેલા લોકો સાથે તેમણે ચર્ચા કરી તેમની સમસ્યાઓ જાણી હતી. મોટાભાગના લોકોએ વેકસીન માટે રજીસ્ટ્રેશનમાં થતાં વિલંબ અંગે નેતાઓને ફરિયાદ કરી હતી. નેતાઓએ આ બાબતે સરકારમાં રજુઆત કરી દેવામાં આવી હોવાનો પ્રત્યુતર આપ્યો હતો.
વેજલપુરના ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ પણ આ અવસરે હાજર રહ્યા હતાં. તેમણે તેમના મત વિસ્તારમાં આવતાં વોર્ડના કોર્પોરેટરોને શકય તમામ મદદની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખાસ તો લોકો જે વેક્સીન લેવામાં હજી ગભરાય છે તેમને જાગૃત કરવા અભિયાન ચલાવવામાં આવશે. કોરોના સામે લડવામાં વેકસીન જ મહત્વની સાબિત થઇ શકે તેમ છે.
કોરોનાની મહામારીમાં ન દેખાયેલા ભાજપના નેતાઓ હવે પોતાના ઘરોની બહાર નીકળ્યાં છે. કોરોના બાબતે ગુજરાત હાઇકોર્ટે ઉઘડો લીધાં બાદ સરકારની પોલ ખુલી છે. સરકારી આંકડાઓ સામે ખુદ હાઇકોર્ટ નારાજગી વ્યકત કરી ચુકી છે ત્યારે મારો વોર્ડ કોરાના મુકત અભિયાન સરકારની છબી સુધારવા માટે કેટલું મદદરૂપ થાય છે તે આવનારો સમય જ બતાવશે.