અમદાવાદમાં મધ્યમવર્ગ પરિવારની થાળીમાંથી ડુંગળી ઓછી થઈ રહી છે. જેનું કારણ છે ડુંગળીની કિંમતમાં ભાવવધારો. ડુંગળી આવક ઘટતા તેના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લીધે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગરીબોની કસ્તુરી સામાન ડુંગળી મોંઘી થતાં અમદાવાદીઓની કેવી હાલત થઈ છે. જુઓ અમારા સંવાદદાતા મયુર મેવાડાની આ રિપોર્ટ.
એક સમયે ગરીબો માટે કસ્તુરી ગણાતી ડુંગળી હવે આમ આદમીની થાળીમાંથી જ ઓછી થવા લાગે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. અમદાવાદમાં હાલ ડુંગળીના છુટક ભાવ રૃપિયા ૪૦ પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. મહારાષ્ટ્ર ડુંગળીનો હોલસેલ ભાવ પ્રતિ કિલોગ્રામે રૃપિયા ૧૮ હતો અને તે હવે રૃપિયા ૩૦ સુધી પહોંચી ગયો છે જેને કારણે હવે ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
અમદાવાદની વાત કરવામાં આવે તો અહીં મહારાષ્ટ્ર-સૌરાષ્ટ્ર-રાજસ્થાન-મધ્ય પ્રદેશથી ડુંગળી આવે છે. જેમાં સૌરાષ્ટ્રથી આવતી ડુંગળીનો ભાવ ૧ સપ્ટેમ્બરના ૧૪ રૃપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને તે હવે રૃપિયા ૨૨ થઇ ગયો છે. જ્યારે મહારાષ્ટ્ર્ની ડુંગળી 30 રુપયે કિલો હોલસેલ ભાવે મળે છે એટલું જ નહીં ડુંગળીની અછત સર્જાઈ રહી છે. ડુંગળીની આવક પણ ઓછી થતા ડુંગળીનો ભાવ વધી રહ્યો છે જેને કારણે મધ્યમ વર્ગીય પરિવારનું બજેટ ખોરવાઈ રહ્યું છે.