/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/10144543/WhatsApp-Image-2021-05-10-at-12.32.44.jpeg)
રાજ્યમાં કોરોનાની પહેલી લહેરની તુલનામાં બીજી લહેર વધારે ખતરનાક સાબિત થઇ ગઈ છે. કોરોના વાયરસ હવે સીધો ફેફસા પર અસર કરી રહયો હોવાના કારણે વેન્ટીલેટર અને ઓકિસજનની માંગમાં વધારો થયો છે. કોરોનાના દર્દીઓ એક એક શ્વાસ માટે તડપી રહયાં છે. વેન્ટીલેટર અને ઓકિસજનની સાથે સાથે પ્લાઝમા બ્લડની માંગ પણ વધી છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ માર્ચ અને મે 2020 વચ્ચે કુલ 28 દર્દીઓ પર પ્લાઝમાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોટા શહેરોમાં પ્લાઝ્માની માંગ વધારે છે. શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલો ની સાથે ખાનગી લેબ એનજીઓ અને બ્લડ બેન્ક પ્લાઝ્મા ડોનેટ કરવા લોકોને જાગૃત કરી રહયા છે.
રાજ્યનાં ચાર મુખ્ય શહેરોમાં ફક્ત સરકારી હોસ્પિટલોના આંકડા અનુસાર ગત 3 મહિનામાં 8,597 લોકોએ પ્લાઝમા ડોનેશન કર્યું છે.જેનાથી ઓછામાં ઓછા 16494 લોકોએ સારવાર મેળવી છે. સુરતમાં સૌથી વધુ લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. અમદાવાદ રેડક્રોસમાં પણ પ્લાઝમાની માગમાં ઉછાળો નોંધાયો છે.
પહેલા પ્લાઝમા માટે એક દિવસમાં 10-15 કોલ આવતા, પરંતુ હવે રોજ સરેરાશ 200 કૉલ આવે છે. આ માગને પગલે કાળાં બજાર વધ્યાં છે. ઘણા લોકો રેર બ્લડ ગૃપના માટે પ્લાઝમાના વધુ પૈસા માગે છે. અનેક હોસ્પિટલોમાં પણ પ્લાઝ્મા મેળવવા લોકો દોડાદોડી કરી રહયા છે અનેક પરિવારો મોં માંગ્યા રૂપિયા આપી પ્લાઝ્મા મેળવી રહયા છે આમ પહેલાના પ્રમાણમાં પ્લાઝ્માની માંગ વધી રહી છે
કોરોનામાંથી સાજા થયાના 28 દિવસ પછી અથવા પ્લાઝમા ડોનેશનના 14 દિવસ પહેલાંનો આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી છે.જે લોકો કોરોના પોઝિટિવ થઈ ચૂક્યા છે અને રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેઓ 14થી 21 દિવસમાં પ્લાઝમા ડોનેટ કરી શકે.55 કિ.ગ્રા વજન ધરાવતા 18થી 60 વર્ષના સંપૂર્ણ સ્વસ્થ લોકો પ્લાઝમા ડોનેટ કરી શકે છે.પ્લાઝમા ડોનેશન માટે આરટી-પીસીઆર રિપોર્ટની હાર્ડ કોપી અને આધાર કાર્ડની નકલ હોવી જરૂરી છે.