પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ-દશરથને લાંબી જેલયાત્રાના યોગ બની રહ્યા છે. આ ધારણા જ્યોતિષની દ્રષ્ટીએ નહીં પણ પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર રમણ-દશરથ વિરુદ્ધ શહેરના પોલીસ સ્ટેશનોમાં નોંધાઈ રહેલી ફરિયાદોને લઈને થઈ રહી છે. પોપ્યુલર ગ્રૂપ ના બિલ્ડરો વિરુદ્ધ સતત ચોથી ઠગાઈની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જેમાં જમીન મામલે ઠગાઈ કરી ખોટો પાવર બનાવ્યાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.
થલતેજ ગામમાં આંબલીવાળા વાસમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગાળતા બાબુજી અતાજી ઠાકોર (ઉં,65)એ સોલા પોલીસ સ્ટેશનમાં પોપ્યુલર ગ્રૂપના ચાર બિલ્ડર ભાઈઓ સહિત 14 જણા વિરુદ્ધ જમીન હડપવા માટે કાવતરૂ રચી ખોટા દસ્તાવેજ ઉભા કર્યાની ફરિયાદ બુધવારે સાંજે નોંધાવી છે. જેમાં આરોપી તરીકે પોપ્યુલર ગ્રૂપના ચાર બિલ્ડર ભાઈઓ રમણ, દશરથ, છગન અને નટવર ભોળીદાસ પટેલ, મિતેશ ભગવતલાલ પટેલ, પિયુષ બીપીનચંદ્ર પરીખ, સંદીપ કેશવલાલ પ્રજાપતિ, કોકિલાબહેન છગનભાઈ, મયુરિકા રમણલાલ પટેલ, સવીતાબહેન નટવરલાલ પટેલ, ક્રિનેશ નટવરલાલ પટેલ, લતાબહેન દશરથભાઈ પટેલ, નિલેશકુમાર ધીરજલાલ પટેલ અને કાળા હીરાભાઈ પટેલના નામ આરોપી તરીકે છે.
ફરિયાદી બાબુજી અતાજી ઠાકોરે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એકબીજાની મિલિભગતથી તેઓની અને તેમના પરીવારના સભ્યોના ભાગની કરોડોની જમીનના ખોટી સહીઓ કરી તૈયાર કરેલા ખોટા પાવર આધારે ખોટો રજીસ્ટર વેચાણ દસ્તાવેજ ગત તા.21-10-1993ના રોજ કર્યો હતો. જે પાવર આધારે દસ્તાવેજ કર્યો તે પાવર 24-1-1994ના રોજનો છે. આમ આરોપીઓએ પાવર બનાવ્યા પહેલાં 3 મહિના અને 4 દિવસ અગાઉ ખોટી રીતે દસ્તાવેજ કરી ને ખોટો પાવર ઉભો કરી ગુનો આચર્યો હતો.
વિગત મુજબ આરોપીઓએ સોમેશ્વર દર્શન સામુદાયીક સહકારી મંડળી લી.ના નામે દસ્તાવેજ કર્યો હતો. આ મંડળી ખેડૂત ખાતેદાર ન હોવાથી ખેતીની જમીન લઈ શકે નહીં. આ ગુનાને છુપાવવા માટે આરોપીઓએ જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓ, જિલ્લા પંચાયત અમદાવાદનાઓને ગેરમાર્ગે દોરી સોમેશ્વર દર્શન સામુદાયીક સહકારી મંડળીઓનું ગૃહ મંડળીઓમાં રૂપાંતર કરવા જાણીજોઈ ઈરાદાપૂર્વકનું કૃત્ય આચર્યું હતું. આમ, સામુદાયીક ખેતી મંડળીઓ રદ થઈ હોવા છતાં રજીસ્ટાર કચેરીઓમાં ખોટી ઓળખ આપી 7-5-2015ના રોજ પોતાના કુટુંબીઓના નામે ખોટા વેચાણ દસ્તાવેજ આરોપીઓએ કરી લીધા હતા.