અમદાવાદ : પોપ્યુલર બિલ્ડરની છપ્પડ ફાડ 1 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી આવી

New Update
અમદાવાદ : પોપ્યુલર બિલ્ડરની છપ્પડ ફાડ 1 હજાર કરોડની બેનામી સંપત્તિ મળી આવી

અમદાવાદના સૌથી મોટા બિલ્ડરમાં જેની ગણના થાય છે તે પોપ્યુલર બિલ્ડર ગ્રુપના 27 સ્થળો પર થોડા દિવસો અગાઉ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે બિલ્ડરની ઓફિસ અને નિવાસસ્થાને મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોપ્યુલર ગ્રુપ અંગે ITને મોટી સફળતા મળી હતી. ત્યારે હવે આવકવેરા વિભાગે રૂપિયા 1000 કરોડની સંપત્તિ ટાંચમાં લીધા બાદ મોટો ખુલાસો કર્યો છે અને પોપ્યુલર બિલ્ડર પર સિકંજો કસાયો છે.



8 ઓક્ટોબર 2020ના રોજ વહેલી સવારથી જ આવકવેરા વિભાગે અમદાવાદના પોપ્યુલર બિલ્ડરની 27 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની ઓફિસ અને ઘરે આઈટીએ દરોડા પાડ્યા હતા.આ દરોડા 72 કલાક સુધી સતત ચાલ્યા હતા. આ ઓપરેશન દરમિયાન આવકવેરા વિભાગે પોપ્યુલર ગ્રુપના ત્રણ ખાનગી એડ્રેસ શોધી કાઢ્યા હતા. જેના પર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોપ્યુલર ગ્રુપના 14 બેન્ક લોકર અને કોમ્પ્યુટર અને લેપટોપમાં રહેલો ડેટા સીલ કરવામાં આવ્યો હતો.અને બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


હવે આવકવેરા વિભાગે ખુલાસો કરતા કહ્યું છે કે, અમદાવાદની 600 કરોડ રૂપિયાની અને બહારની 400 કરોડ રૂપિયાની એમ મળીને કુલ 1000 હજાર કરોડની સંપત્તિ ટાંચમાં લીધી છે. તો 27 સ્થળો પર કાર્યવાહી દરમિયાન 23 લોકર, 91.11 લાખની રોકડ, 3.19 કરોડની મિલક્ત સિઝ કરાઇ અને 2 કરોડ 28 લાખની જ્વેલરી પણ જપ્ત કરાઈ છે. તો વર્ષ 1990થી જમીનોના સોદાની તપાસ કરાઇ છે. 22.72 લાખ ચોરસ મીટર જમીન અંગે તપાસ કરવામાં આવી છે. બેનામી રીતે જમીનની ખરીદી થઇ હોવાનુ આવ્યુ સામે છે. મહત્વનું છે કે, થલતેજ, રાણીપ, સહિત વિસ્તારોમાં ITએ દરોડા પડ્યા હતા. ત્યારે હવે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન હેઠળ કાર્યવાહી થશે.