અમદાવાદ : ખેડૂતોનો ડર દૂર કરવા રાકેશ ટિકૈટ 2 દિવસ ગુજરાતના પ્રવાસે, ટિકૈટની મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ વાઘેલા થયા સક્રિય

New Update
અમદાવાદ : ખેડૂતોનો ડર દૂર કરવા રાકેશ ટિકૈટ 2 દિવસ ગુજરાતના પ્રવાસે, ટિકૈટની મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ વાઘેલા થયા સક્રિય

ખેડૂત આગેવાન રાકેશ ટિકૈટ 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે તેઓ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ટિકૈતે જણાવ્યું હતું કે, હવે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન શરૂ થશે. આ આંદોલનમાં ગાંધીનગરનો ઘેરાવ કરીને ત્યાં પણ ટ્રેકટર સાથે બેરિકેડ્સ તોડવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

અમદાવાદ ખાતે ખેડૂત આગેવાને રાકેશ ટિકૈટે જણાવ્યું હતું કે, અમારા કારણે ભાજપમાં ભય ફેલાઈ રહ્યો છે. અત્યારે ખેડૂત આંદોલન અને ધરણાં શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યા છે. ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે તેમ સમગ્ર દેશમાં પણ છીનવાઈ રહી છે. ગુજરાતના ખેડૂતોને પણ અનેક સમસ્યા છે, ત્યારે ગુજરાતના ખેડૂતોનો ડર દૂર કરવા માટે હું ગુજરાત આવ્યો છું. આગામી સમયમાં ગાંધીનગરનો ઘેરાવ કરી બેરિકેડ્સ તોડી આંદોલનને ઉગ્ર બનાવીશું. હવે ટ્રેકટરનો ઉપયોગ માત્ર ખેતી માટે જ નહિ, પરંતુ આંદોલનમાં પણ કરાશે. તો સાથે જ તેઓએ જણાવ્યુ હતું કે, સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. જ્યારે ભવિષ્યમાં સાબરમતી અને ગાંધી આશ્રમનાં પણ નામ બદલાઈ શકે છે. જ્યાં જ્યાં ચૂંટણી હોય ત્યાં કોરોના નથી હોતો અને જ્યાં આંદોલન ચાલુ હોય ત્યાં જ કોરોના આવે છે.

જોકે થોડા દિવસો પહેલાં ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પૂર્વ સી.એમ. શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આગેવાનો સાથે બેઠક કરી ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી ખાતે સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, જેના આગેવાન રાકેશ ટિકૈત તારીખ 4 અને 5 એપ્રિલના રોજ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે રાકેશ ટિકૈતની મુલાકાતને સફળ બનાવવા શંકરસિંહ સક્રિય થયા છે.

Latest Stories