/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/17165452/maxresdefault-216.jpg)
અમદાવાદ શહેરમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પોલીસે વિક્ટરી વર્લ્ડ નામની એપ બનાવી પોન્ઝી સ્કીમ ચલાવનારી ગેંગના 3 સભ્યોની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં અખ્તરહુસેન ખાન, પૂજાસિંઘ અને સુનિલ યાદવ નામના શખ્સોએ કંપનીના ડિરેક્ટર આશિષ પટેલ સાથે મળી ગેઈમ્સ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપની ખોલી હતી. જેના ઓથા હેઠળ વિક્ટરી વર્લ્ડ નામની એપ્લિકેશન બનાવી હતી. જેમાં તેઓ ગેમ રમાડવાના બહાને રોકાણની સ્કીમ ચલાવી રહ્યા હતા. આ સ્કીમમાં રોકાણના એક ટકા લેખે લોકોને રોજનું વળતર આપવાની લાલચ આપતા હતા. જેમાં વસ્ત્રાપુરના અભીશ્રી ટાવરમા પોન્ઝી સ્કીમ ચાલી રહી હોવાની ક્રાઇમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી. જેમાં પોલીસે દરોડા પાડી 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં 50 જેટલા સભ્યો નોંધાવી 50 લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવ્યુ હતું.
જોકે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપીઓ 2,500 રૂપિયાથી લઈને અલગ અલગ રકમનું રોકાણ કરાવતા હતા. તેઓ 200 દિવસ સુધી શનિવાર અને રવિવારને બાદ કરતા રોજનું વળતર આપતા હતા. જો કોઈ બીજા રોકાણકારો લાવે તો રોજનું 1 ટકાને બદલે 1.5 ટકા વળતર આપતા હતા. ઉપરાંત એક આરોપીએ તો LLB સુધીનો અભ્યાસ કર્યો છે. અન્ય એક ફરાર આરોપી સોફ્ટવેર એન્જિનિયર છે. આ તમામ લોકો ગુજરાતમાં ઊંડો પગપેસારો કરી લે તે પહેલાં પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. પોલીસનું માનવું છે કે, અમદાવાદ અને ગુજરાતની સાથે સાથે રાજસ્થાનના લોકો પણ આ પોન્ઝી સ્કિમમાં છેતરપિંડીનો ભોગ બન્યા છે, ત્યારે આ મામલે તપાસ દરમ્યાન ભવિષ્યમાં મોટા ધડાકા થવાની પણ શક્યતા વર્તાઇ રહી છે.