અમદાવાદ : 113 દિવસથી કોરોના સામે લડતા 59 વર્ષીય વૃદ્ધે કોરોનાને આપી મ્હાત, સોલા સિવિલ ખાતે નાયબ મુખ્યમંત્રી રહ્યા હાજર

New Update
અમદાવાદ : 113 દિવસથી કોરોના સામે લડતા 59 વર્ષીય વૃદ્ધે કોરોનાને આપી મ્હાત, સોલા સિવિલ ખાતે નાયબ મુખ્યમંત્રી રહ્યા હાજર

દેશભરમાં કોરોનાનો કહેર વર્તાયો છે, ત્યારે ગુજરાતમાં કોરોના પર મંદગતિએ અંકુશ આવતો હોય તેવું સરકારી આંકડાથી લાગી રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 113 દિવસથી કોરોના સામે લડતા 59 વર્ષીય વૃદ્ધે કોરોનાને મ્હાત આપી છે. તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. વૃદ્ધે હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોનો આભાર માન્યો હતો. ગુજરાતમાં ભરતસિંહ સોલંકી બાદ વૃદ્ધ દેવેન્દ્ર પરમારે 113 દિવસ બાદ કોરોનાને મ્હાત આપી છે.

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈને દેવેન્દ્ર પરમાર નામના 59 વર્ષીય વૃદ્ધે 113 દિવસે કોરોનાને હરાવ્યો છે. દેવેન્દ્ર પરમાર આજે સોલા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. કોરોનાની સૌથી લાંબો સમય હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દી દેવેન્દ્ર પરમાર બન્યા છે. સોલા સિવિલમાં 113 દિવસ સારવાર દરમ્યાન તેઓ 90 દિવસ ICUમાં રહ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ખૂબ સારી મળી છે. ઉપરાંત હોસ્પિટલનો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો છે, ત્યારે પોતાના પિતાને આજે ઘરે લઈ જતાં તેઓની દીકરી ખૂબ ખુશ જોવા મળી હતી.

જોકે સોલા સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 14 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. જેમાંથી 13 હજાર જેટલા લોકોને સફળતા પૂર્વક સારા કરી તેઓને ઘરે પરત મોકલવામાં આવ્યા છે, ત્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યના આરોગ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહી તમામ અધિકારી, ડોક્ટર અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.

Latest Stories