સમગ્ર રાજ્યમાં કોરોના બેકાબુ બન્યો છે, ત્યારે સૌથી મોટા મહાનગર અમદાવાદની હાલત સૌથી વધારે બદતર થઈ છે. શહેરના સ્મશાન ગૃહમાં સતત 24 કલાક અંતિમ ક્રિયાઓ કરવામાં આવી રહી છે. મુક્તિધામમાં હજી પણ અંતિમ ક્રિયાઓ માટે વેટીંગ ચાલી રહ્યું છે, ત્યારે મુક્તિધામ બહાર પીપીઈ કીટ ખુલ્લામાં ફેંકી દેવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ જવાથી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખૂટી ગયા હોવાની વાતો પણ સામે આવી રહી છે, ત્યારે શહેરમાં છેલ્લા 15 દિવસથી દરેક મુક્તિધામમાં હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા છે. મુક્તિધામમાં સતત 24 કલાક સગડીઓ ચાલુ રહેવા છતાં અંતિમ ક્રિયા માટે 5થી 7 કલાકનું વેઇટિંગ ચાલે છે. જોકે ઇતિહાસમાં પ્રથમ વખત મુક્તિધામમાં આટલું બધુ વેઈટિંગ હોવાનું પણ સાબિત થયું છે. તો સાથે જ મુક્તિધામ નજીક લોકોની બેદરકારી પણ સામે આવી છે. મુક્તિધામ બહાર જાહેર માર્ગ પર અનેક પીપીઈ કીટ ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે.
થલતેજ મુક્તિધામ શહેરનું સૌથી મોટું મુક્તિધામ છે, ત્યારે અહીં મોટા પ્રમાણમાં કોરોનાની પીપીઈ કીટ ફેંકી દેવામાં આવી છે. જોકે આવી ગંભીર બેદરકારી કોણે કરી છે તેની સ્પષ્ટતા હજી સુધી થઇ નથી. પરંતુ અહીં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને મુક્તિધામના કર્મચારીઓ પ્રોટોકોલ મુજબ પીપીઈ કીટ પહેરે છે, ત્યારે આ પ્રમાણે પીપીઇ કીટ જાહેરમાં ફેંકી દેવાતા લોકોને વધુ સંક્રમણ ફેલાવાનો ભય સતાવી રહ્યો છે. આમ અમદાવાદના અલગ અલગ સ્મશાનમાં ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે.