અમદાવાદ શહેરને મળ્યું વધુ એક સુંદર નજરાણું
રિવરફ્રન્ટની શોભા વધારતો લિનિયર ગાર્ડન
રૂ.12 કરોડના ખર્ચે એક કિ.મી લાંબો ગાર્ડન તૈયાર
શહેરના ઇતિહાસ અને વિકાસયાત્રાને પણ પ્રદર્શિત કરશે
મુલાકાતીઓને શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રૂપિયા 12 કરોડના ખર્ચે એક કિ.મી લાંબો લિનિયર ગાર્ડન તૈયાર કરવામાં આવ્યો છે. આ ગાર્ડન એલિસ બ્રિજ અને નહેરુ બ્રિજ વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બગીચો માત્ર હરવા-ફરવાનું સ્થળ માત્ર નથી,પરંતુ શહેરના ઇતિહાસ અને વિકાસની ઝલકને રજૂ કરતું કેન્દ્ર પણ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પશ્ચિમ ભાગમાં એલિસ બ્રિજ અને નહેરુનગરની વચ્ચે એક કિ.મી લાંબો લીનિયર ગાર્ડન તૈયાર કર્યો છે. રૂપિયા 12 કરોડના ખર્ચે બનેલો આ ગાર્ડન અમદાવાદના ઇતિહાસને જાળવવાની સાથે શહેરની વિકાસયાત્રાને પણ પ્રદર્શિત કરે છે. અહીં આવનાર લોકોને મનોરંજનની સાથે શહેર વિશેની સંપૂર્ણ માહિતી પણ મળશે.
રિવરફ્રન્ટ પર બનેલા આ લીનિયર ગાર્ડનને લઈને અમદાવાદવાસીઓમાં ખૂબ ઉત્સાહ છે. નાગરિકો આને શહેર માટે એક મોટી ઉપલબ્ધિ માને છે. આ ઉત્કૃષ્ટ પહેલ શહેરની સંસ્કૃતિને પ્રત્યક્ષ રીતે ઉજાગર કરશે. આ ગાર્ડનથી રિવરફ્રન્ટની રોનક વધશે અને પરિવાર સાથે સમય પસાર કરવા માટે એક આદર્શ સ્થળ પૂરું પાડશે.
પીપીપી (PPP) મોડેલ પર વિકસેલો આ લીનિયર ગાર્ડન નવા વર્ષની શરૂઆતમાં જ શહેરવાસીઓ માટે ખુલ્લો મૂકાશે. આ ગાર્ડનમાં વરિષ્ઠ નાગરિકો માટે બેઠક-વ્યવસ્થા છે, સાથોસાથ બાળકોના રમવા માટેની સુવિધાઓ છે. લીનિયર ગાર્ડન રિવરફ્રન્ટની મુલાકાત લેનારાઓના આનંદમાં વૃદ્ધિ કરશે,તે નક્કી છે.