અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગમાં બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષની વયથી રક્તદાન કરતાં તબીબનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ કેન્સર વિભાગમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે કેન્સર વિભાગમાં બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પ્લાસ્ટિક અને કોસ્મેટીક સર્જન હેમંત સરૈયાએ 175મી વખત રક્તદાન કર્યું હતું. 18 વર્ષથી નાની ઉંમર હતી ત્યારથી હેમંત સરૈયા રક્તદાન કરતાં આવ્યા છે,
અને માત્ર તે પોતે જ નહીં પરંતુ તેમના પરિવારજનો પણ છેલ્લા કેટલાક વર્ષોથી રક્તદાન કરે છે. તેમના પરિવારમાં ઘણા લોકો છે, જેમણે 100થી પણ વધુ વખત રક્તદાન કર્યું છે. એબી પોઝિટિવ બ્લડ ગ્રુપ હોવાથી તેમનું બ્લડ ગ્રુપ ખૂબ રેર છે, અને ઘણા લોકોને નવજીવન આપવા માટે તે સફળ રહ્યા છે. તબીબ હેમંત સરૈયાએ જણાવ્યુ હતું કે, આજની યુવાપેઢીએ રક્તનું મૂલ્ય સમજી અચૂક રક્તદાન કરવું જોઈએ.