-
માર્ચ મહિનાથી જ હીટવેવનો પ્રારંભ
-
ગરમીએ બતાવ્યો પોતાનો આકરો મિજાજ
-
13 માર્ચ સુધી યલ્લો એલર્ટ જાહેર
-
ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધશે
-
આ વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડે તેવી શક્યતા
ગુજરાતમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 10થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતાઓ છે.
ગુજરાતમાં માર્ચ મહિનાના પ્રારંભથી જ ગરમીએ તેનો આકરો મિજાજ બતાવવાની શરૂઆત કરી દીધી છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 9 માર્ચ, 2025થી લઈને 13 માર્ચ, 2025 દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા, ગતિ અને ઊંચા તાપમાનનો સામનો આપણે કરવો પડશે. છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે 9 કિ.મી. પ્રતિ કલાકથી લઈને 13 કિ.મી. પ્રતિ કલાક છે. જોકે, 11 માર્ચ, 2025થી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે.
પવનની સ્પીડ 18 કિ.મી.પ્રતિ કલાકથી લઈને 22 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે. ખાસ કરીને પવનો હવે ઉત્તર-પશ્ચિમ દિશામાં ફૂંકાશે એટલે કે અરબ સાગર તરફથી પવનો ફૂંકાશે. આ પવનો ભેજવાળા હશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત કે જે દરિયાઈ કાંઠાના ભાગો છે એટલે કે સમુદ્રકિનારાથી 50 કિ.મી.થી લઈને 70 કિ.મી. સુધીના વિસ્તારમાં 13 માર્ચ, 2025 સુધી ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ રહેશે.
હાલ રાજ્યની અંદર તાપમાન ઊંચું જવાનું છે, જેના કારણે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર જશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી જ તાપમાનનું પ્રમાણ ઊંચું રહેશે. 2025માં ઉનાળાની અંદર આ પહેલાં હીટવેવનો રાઉન્ડ છે.આ વર્ષે તાપમાન એકંદરે ઘણા બધા રેકોર્ડ તોડશે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.