Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાજપના કથિત પત્રથી નવો વિવાદ, ભાજપની હકીકત સામે આવી હોવાનો કોંગ્રેસનો આરોપ...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના કથિત પત્રથી હવે પલટવારની સ્થિતિ જોવા મળી રહી છે.

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપના કથિત પત્રથી હવે પલટવારની સ્થિતિ જોવા મળી રહી છે.અમદાવાદ શહેર ભાજપ ચૂંટણીમાં બુટલેગરોનો સહારો લેતી હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો છે. તો બીજી તરફ, ભાજપના લેટરપેડનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું ભાજપ પ્રવક્તાએ જણાવ્યુ હતું.

ભાજપના કથિત પત્રથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેર ભાજપના પત્રને લઈને કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવ્યા છે. કથિત પત્રમાં 13માં નંબરના મુદ્દામાં ભાજપ સમર્થક ન હોય તેવા બુટલેગરોની યાદી બનાવવા આદેશ કરાયો છે. હવે, ભાજપના પત્રમાં બુટલેગરોનો ઉલ્લેખ કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બુટલેગરોનો સાથ મળતો હોય તેવું એક કથિત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ચૂંટણી વ્યવસ્થા માટે કરાયેલ પત્રમાં ચોંકાવનાર મુદ્દો સામે આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ વિશે ભાજપ પર અનેક આક્ષેપો લગાવ્યા છે. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ચૂંટણી વ્યવસ્થા માટે મહત્વના મુદ્દામાં જ ભાજપનો અસલી ચહેરો દેખાય છે. અસામાજિક તત્વો અને બુટલેગરનો સાથ લઇ ભાજપ ચૂંટણી જીતે છે. જે તેમની સાથે ન જોડાય એમને કેવી રીતે સીધા કરવા એ માટે લિસ્ટ મંગાવ્યું હોવાનો કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ત્રણેય પક્ષો એક્શનમાં આવી ગયા છે, ત્યારે હવે પલટવારની સ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ શહેર ભાજપના કથિત પત્રથી રાજકારણમાં એક નવો જ વિવાદ સામે આવ્યો છે. તો બીજી તરફ, ગુજરાત ભાજપે આ લેટરને ખોટો ગણાવ્યો છે, અને કોંગ્રેસ પર આ પત્ર વાયરલ કરવાના આરોપ લગાવ્યા છે. ભાજપ પ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે, ભાજપને મોટી સંખ્યામાં જન સમર્થન મળી રહ્યું છે. તેથી કોંગ્રેસ હતાશ છે, અને ભાજપના લેટરપેડનો દુરુપયોગ કરી લોકોને ગુમરાહ કરી રહી છે. એક બાજુ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ જૂઠા કાગળો દ્વારા લોકોનો પ્રેમ મેળવવા પ્રયાસ કરે છે. પણ જનતાનો પ્રેમ ભાજપ સાથે છે. હાલ તો, ભાજપે કોંગ્રેસ શહેર અધ્યક્ષ સામે તપાસ કરવાની માંગ કરી છે, અને સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી છે.

Next Story