કાલુપુરની ખજુરી મસ્જિદની ગલીમાંથી ઝડપાયો જાસૂસ
પાકિસ્તાની જાસૂસ હોવાનું પોલીસ તપાસના બહાર આવ્યું
સીમકાર્ડ ખરીદી પાકિસ્તાની સંસ્થાઓને મદદ કરી : પોલીસ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાલુપુર વિસ્તારમાં આવેલ ખજુરી મસ્જિદની ગલીમાંથી અબ્દુલ વહાબ શેરમહમંદ પઠાણ નામના પાકિસ્તાની જાસૂસને પકડી પાડ્યો છે. આ આરોપીએ કેન્દ્રીય સૈનિક બોર્ડની સાચી વેબસાઇટ જેવી જ ખોટી વેબ સાઇટ બનાવી હતી.
આ વેબસાઇટ પરથી નિવૃત થનાર ડિફેન્સ અધિકારીઓની માહિતી મેળવવામાં આવતી હતી. તે સિવાય આરોપી સીમકાર્ડ લઈ તે નંબર પાકિસ્તાન ઇન્ટેલિજન્સને આપતો હતો. જે સીમકાર્ડથી લશ્કરી દળોના નિવૃત્ત થઈ રહેલ અધિકારી અને જવાનોને મેસેજ, વોટ્સએપ કોલ અને વોઈસ મેસેજ મોકલવામાં આવતા હતા. પોલીસ તપાસમાં આ સીમકાર્ડ મુસ્તકીમ અબ્દુલ રઝાક તેતરાના નામનું હતુ. જોકે, વધુ પોલીસ તપાસમાં અબ્દુલ વહાબ શેર મહમંદ આ પ્રકારે સીમકાર્ડ મેળવી સીમકાર્ડને એક્ટીવેટ કરાવી, આ સીમકાર્ડના નંબર પાકિસ્તાન હાઇ કમિશન, ન્યુ દિલ્હી ખાતેના પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને પહોંચાડતો હતો. આ ઉપરાંત તે પોતાના પરિચિતો પાસેથી અલગ અલગ કારણ આપી એકટીવેટેડ સીમકાર્ડ મેળવતો અને તે નંબર પાકિસ્તાન ઇન્ટેલીજન્સ ઓફિસર શફાકત જતોઇને વ્હોટ્સએપના માધ્યમથી મોકલતો હતો. ભારત દેશ વિરુદ્ઘ ગંભીર પરિણામ લાવી શકે તેવા ગુનાહિત કાવતરાને અંજામ આપવાના કાવતરાનો પોલીસે પર્દાફાશ કર્યો છે.