ફર્જી વેબ સિરીઝ જોઈને ટૂંક સમયમાં પૈસા કમાવવા નકલી નોટો છાપવાનું શરૂ કરનારા શખ્સો સરદારનગર પોલીસના હાથે ઝડપાયા છે. આરોપીઓ 2 અલગ અલગ હોટલમાં ભાડે રૂમ રાખી નકલી નોટો છાપતાં હોવાનું બહાર આવ્યું છે. આજકાલ શોર્ટકટથી પૈસા કમાવવા માટે લોકો અલગ અલગ કિમિયાઓ અપનાવતા હોય છે. તાજેતરમાં રિલીઝ થયેલી ફર્જી વેબ સિરીઝ જેવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદની સરદારનગર વિસ્તારમાં આવેલી પાલવ હોટલમાં રૂમ રાખી 3 શખ્સો નકલી નોટો છાપતા હતા. સરદારનગર પોલીસે માહિતીના આધારે આ શખ્સોને પકડી પાડ્યા છે.
પોલીસને હોટલના રૂમમાંથી નકલી નોટો, પ્રિન્ટર, નકલી નોટ છાપવાના કાગળો, ક્રેડિટ કાર્ડ, લાઇસન્સ મળી આવ્યા હતા. પોલીસે પાલવ હોટલના રૂમ નંબર 213માંથી સંજય માળી, જયદીપ સોલંકી અને ભરત ચાવડાની ધરપકડ કરી છે. જેમાં નકલી નોટ છાપવાનો માસ્ટર માઈન્ડ ભરત ચાવડા છે. જેણે સંજય માળી સાથે મળીને નકલી નોટ બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ A-4 સાઈઝના કાગળ લાવ્યા હતા. આ શખ્સોએ 500 તેમજ 100 રૂપિયાના દરની નોટોની કલર પ્રિન્ટ કાઢીને નકલી નોટો બનાવી હતી. આ નકલી નોટના નેટવર્કમાં ભરત ચાવડાએ નકલી નોટ બનાવવાની અને બજારમાં ફેરવવાની જવાબદારી લીધી હતી.
જ્યારે સંજય માળીએ પ્રિન્ટર અને કાગળની સામગ્રીની જવાબદારી લીધી હતી. તો જયદીપ સોલંકી પણ ગાડીમાં જુદી જુદી હોટલમાં નકલી નોટની સામગ્રી ટ્રાન્સફર કરતો હતો. આ ત્રણેય શખ્સો ફર્જી વેબ સિરીઝ જોઈને 15 દિવસથી નકલી નોટો બનાવાની શરૂઆત કરી હોવાની શક્યતાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.