રાજ્યમાં જંત્રી દરમાં કરાયેલો ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં ગત તા. 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ આગામી તા. 15 એપ્રિલના રોજથી અમલી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ ઉચ્ચસ્તરીય બેઠક બાદ રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્ય વ્યાપક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકાર જંત્રીના દરમાં 12 વર્ષ બાદ સીધા 100 ટકાનો વધારો કરતા બિલ્ડર એસોસિયેશનમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જે બાદ અમદાવાદ બિલ્ડર એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્ય વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોટો નિર્ણય લીધો છે. ગત તા. 7 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાય હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ લેવામાં આવેલા નિર્ણયોની પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જંત્રીને લઈને જણાવ્યું હતું કે, નવો નિર્ણય ન થાય ત્યાં સુધી ડબલ જંત્રી જ ચૂકવવાની રહેશે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ ડેલિગેટ્સ સાથે ચર્ચા કરી છે. જંત્રી બાબતે કોઈ નિર્ણય થશે તો જાણ કરવામાં આવશે, જ્યારે જમીનનું સંપાદન થાય તે તારીખની અસરથી જંત્રી લાગુ કરવામાં આવશે.