Connect Gujarat
અમદાવાદ 

રાજ્યની ઓળખ સમી અમદાવાદની સાબરમતી બની દેશમાં નં. 2 પર આવતી પ્રદૂષિત નદી...

રાજ્યમાં 6 નદી પહેલી પ્રાયોરિટીમાં અને 4 નદી પાંચમી પ્રાયોરિટીમાં છે. બાકીની નદી બીજી, ત્રીજી અને ચોથી પ્રાયોરિટીમાં છે.

X

ગુજરાત રાજ્યની ઓળખ સમાન સાબરમતી નદી દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી બની છે. આ સાથે જ સાબરમતી નદીનું પાણી પીવા લાયક નહીં હોવાનો પણ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટે અનેક વખત સરકાર અને મ્યુનિશિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી છે. રાજ્યમાં 6 નદી પહેલી પ્રાયોરિટીમાં અને 4 નદી પાંચમી પ્રાયોરિટીમાં છે. બાકીની નદી બીજી, ત્રીજી અને ચોથી પ્રાયોરિટીમાં છે.

સાબરમતી, વિશ્વામિત્રી, અમલ ખાડી, ભાદર, ઢાઢર, ખારી પહેલી પ્રાયોરિટીમાં છે, જ્યારે મીંઢોળા નદી બીજી પ્રાયોરિટીમાં છે. આ સાથે જ મહી નદી ત્રીજી પ્રાયોરિટીમાં, જ્યારે શેઢી નદી ચોથી પ્રાયોરિટીમાં અને ભોગવો, ભૂખી ખાડી, દમણગંગા અને તાપી પાંચમી પ્રાયોરિટીમાં છે. સાબરમતી નદીમાં બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ વધારે હોવાથી પાણીમાં જીવ સૃષ્ટિનો વિકાસ થઇ શકે તેવી શક્યતા નથી. ઉપરાંત પાણીમાં ઝેરી તત્વોનું પ્રમાણ પણ વધારે છે. જો સાબરમતીનું પાણી લોકોના પીવામાં આવે તો પાણીમાં રહેલા ઝેરી તત્વોની નકારાત્મક અસર શરીર પર થઈ શકે છે.

તો બીજી તરફ, વિપક્ષ કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા જણાવાયું હતું કે, વિકાસના નામે કુદરતી નદીઓ અને જળ સ્ત્રોત પ્રદૂષિત કરવામાં આવી રહ્યા છે. રાજ્યની મોટાભાગની નદીઓ પ્રદૂષિત છે, છતાં સરકાર બેધ્યાન છે. સાબરમતીના શુદ્ધિકરણ માટે 2020-21માં 56.08 કરોડ અને 2021-22માં 21.14 કરોડ મળી 2 વર્ષમાં 77.22 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. તેમ છતાં સાબરમતી નદીને પ્રદુષિત થતી અટકાવી શકાય નથી. હાઇકોર્ટે પણ અનેક વાર ફટકાર લગાવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભાજપ સરકાર માટે પૈસા ઉઘરાવવાનું કામ કરતું હોવાનો પણ કોંગ્રેસ પ્રવક્તાએ આક્ષેપ કર્યો હતો.

Next Story