Connect Gujarat
અમદાવાદ 

મહાઠગ કિરણ પટેલના બેન્ક એકાઉન્ટ અને ટ્રાન્જેક્શનની તપાસમાં થયા અનેક ખુલાસા

કિરણ પટેલ સામે બાયડ, નરોડા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ જેવી જગ્યો પર ફરિયાદ નોંધાઈ છે, કિરણ પટેલ સામે ચેક બાઉન્સનો પણ કેસ નોંધાયેલો છે

મહાઠગ કિરણ પટેલના બેન્ક એકાઉન્ટ અને ટ્રાન્જેક્શનની તપાસમાં થયા અનેક ખુલાસા
X

મહાઠગ કિરણ પટેલના ઘરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. કિરણ પટેલના ઘરેથી બેંક એકાઉન્ટની વિગત, સ્ટેમ્પ, જગદીશ ચાવડાના ઘરની ચાવી સહિતની વસ્તુઓ કબજે કરી હતી. બેંક એકાઉન્ટની વિગતની તપાસ કરતા બંગલો ખરીદી શકાય તેટલું બેલેન્સ પણ નહોતું. કિરણ અને માલિની છેલ્લા 4 વર્ષથી કોઈ આઇટી રિટર્ન પણ ભરતા નહોતા. બેંકમાંથી લોન મેળવી નથી. કોઈ લોન મેળવવા અરજી પણ કરી નથી. જે સ્ટેમ્પ મળ્યા તે પણ જૂના હતા. જે અગાઉ કંપની શરૂ કરવાની હતી, પરંતુ કંપની શરૂ નહોતી કરવામાં આવી. આ ઉપરાંત કોલ ડિટેલ્સ ના આધારે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં બંગલો પચાવી પાડવા સહિતના ગુના અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ અંગે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 22 માર્ચ 2023એ ફરિયાદી જગદીશ ચાવડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં કિરણ પટેલ અને તેના પત્ની માલિની પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે વધુમાં જણાવ્યું હતું કે, કિરણ પટેલ સામે પ્રાથમિક દ્રષ્ટીએ 5 ગુના નોંધાયેલા છે. બંગલો પચાવી પાડવાના મામલે કિરણ પટેલના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.

કિરણ પટેલ સામે બાયડ, નરોડા, જમ્મુ-કાશ્મીર, અમદાવાદ જેવી જગ્યો પર ફરિયાદ નોંધાઈ છે, કિરણ પટેલ સામે ચેક બાઉન્સનો પણ કેસ નોંધાયેલો છે. પોતે મોટો અધિકારી હોવાનું જણાવીને અને પોતે રાજકીય વગ ધરાવે છે તેવી ખોટી ઓળખાણ આપીને તથા દેખાવો ઉભો કરીને લોકો સાથે છેતરપિંડી કરે છે. જે પણ ફરિયાદ કિરણ પટેલ સામે નોંધાઈ છે તેની તપાસ કરીને તેના આધારે તેની સામે અલગ-અલગ ગુનાઓના આધારે ફરિયાદ નોંધવામાં આવશે. કિરણ પટેલ સામે 360 ડિગ્રી તપાસ ચાલુ છે અને તેનું ઈન્ટ્રોગેશન કરવામાં આવશે. જેમાં તેના સોશિયલ મીડિયા અકાઉન્ટથી લઈને તેણે મેળવેલી ડિગ્રી સહિતની તપાસ કરવામાં આવશે.

Next Story