સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતિની ઉજવણી
સરદાર@150 અંતર્ગત જાગૃતિ સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિ
તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન
ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચ યોજાય
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા મત વિસ્તારમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુનિટી માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુનિટી માર્ચમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને દેશભરમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં તા. 16મી નવેમ્બરથી તમામ વિધાનસભા મત વિસ્તારમાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે તા. 17મી નવેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંબલી ગામ ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને યુનિટી માર્ચનો મુખ્યમંત્રીએ શુભારંભ કરાવ્યો હતો. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં 3.5 કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રામાં મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે.
સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેર પ્રમુખ સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.