માઁ અંબાના ભક્તોમાં અનેરો ઉત્સાહ
વ્યાસવાડી પગપાળા સંઘની પદયાત્રાનો પ્રારંભ
સતત 32 વર્ષથી સંઘ પદયાત્રાનું કરે છે આયોજન
52 ગજની ધજા સાથે પદયાત્રાએ સંઘ રવાના
100થી વધુ મહિલાઓ પણ જોડાઈ પદયાત્રામાં
માં આરાસુરી અંબાના સાનિધ્યમાં અંબાજી ખાતે ભાદરવી પુનમનો મહામેળો એટલે ભક્તિ અને અસ્થાનો સમન્વય.માઈ ભક્તો દૂર દૂરથી પગપાળા કે અન્ય રીતે પોતાની માનતાઓ, બાધાઓ અને માઁ અંબાના આશીર્વાદ લેવા દેશભરમાંથી અંબાજીમાં ઉમટી પડે છે, ત્યારે અમદાવાદના વ્યાસવાડી નવા વાડજ ખાતે આવેલ વ્યાસવાડી પગપાળા સંઘ સતત 32માં વર્ષે 52 ગજની ધજા સાથે પગપાળામાં અંબાના દર્શને જવા રવાના થયો હતો.
આશરે 100થી વધુ મહિલાઓ સહિત લોકો આ સંઘમાં જોડાયા છે. વહેલી સવારે વ્યાસવાડી ચાર રસ્તા ઉપર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી,અને 52 ગજની ધજાને ભક્તોના દર્શન અર્થે ખોલવામાં આવી હતી. ત્યાર બાદ આ રથ અને ધજા કુંતા પાર્ક સોસાયટીમાં પ્રવેશ કરતા ત્યાં ઉપસ્થિત લોકો દ્વારા પૂજા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
તો થોડા દિવસો અગાઉ જ અવસાન પામેલ આ સંઘના મુખ્ય એવા સ્વર્ગસ્થ શૈલેષ સોનીને 2 મિનિટના માઁ અંબેના ઘોષ સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ સંઘ અંબાજી જવા રવાના થયો હતો. 31ને રવિવારના રોજ આ સંઘ દ્વારા માઁ અંબાને ધ્વજારોહણ કરવામાં આવશે.