અંકલેશ્વરમાં ખેલદિલી અને સહનશક્તિનો સંગમ
ગુજરાત રાજ્યના 66માં સ્થાપના દિવસના ગૌરવભર્યા અવસરને અંકલેશ્વરના રમતપ્રેમીઓએ એક અનોખી અને પ્રેરણાદાયી રીતે ઉજવ્યો છે. શહેરના જાણીતા દોડવીર વિજય માલી, જેઓ “ઉડતા વિજય” તરીકે ઓળખાય છે, તેમણે સ્થાપના દિવસના આંકડાને સાર્થક કરતા 66 કિલોમીટરની પડકારજનક દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે.
વિજયભાઈએ પોતાની આ સફરની શરૂઆત રાત્રે 10:30 કલાકે કરી હતી. આખી રાત અવિરત દોડતા રહી, કાળઝાળ ગરમી અને માનસિક થાકને મ્હાત આપી તેઓ સવારે 7:45 કલાકે પોતાના નિર્ધારિત લક્ષ્ય પર પહોંચ્યા હતા. 66 કિમીનું અંતર તેમણે માત્ર 9 કલાકમાં કાપીને પોતાની અદભૂત સહનશક્તિ અને મક્કમ મનોબળનો પરિચય આપ્યો હતો.
આ સફળતામાં ટીમ ‘રેવા રનર્સ‘નો સહયોગ પણ અતુલ્ય રહ્યો હતો.વિજયભાઈ ના ઉત્સાહમાં વધારો કરવા રાકેશભાઈએ 42.2 કિમી, હિમાંશુભાઈએ 52 કિમી અને અન્ય સભ્યોએ પણ દોડમાં જોડાઈને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નિલેશ ચૌહાણ અને અન્ય સ્વયંસેવકોએ સમગ્ર રૂટ દરમિયાન હાઇડ્રેશન અને નૈતિક ટેકો પૂરો પાડીને આ વ્યક્તિગત પડકારને સામૂહિક જીતમાં ફેરવી નાખ્યો હતો.
આ પ્રસંગે વિજય માલી અને ટીમ રેવા રનર્સે યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે, રમતગમત અને દોડ એ માત્ર શરીરને જ નહીં પણ મનને પણ મજબૂત બનાવે છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને આપણે એક મજબૂત સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.
આ અનોખી સિદ્ધિ બદલ સમગ્ર અંકલેશ્વરના ખેલ જગતમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને આ દોડ અનેક લોકો માટે ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનું નિમિત્ત બની છે.
