સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા રાજકોટ મનપાના 72 ઉમેદવારો જાહેર કરાયાં

Update: 2021-02-04 09:41 GMT

ગુજરાત ભાજપા આગામી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સાંજ સુધીમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરશે. જેમાં પ્રથમ રાજકોટના 18 વોર્ડ માટે 72 ઉમેદવારો જાહેર કર્યા છે. પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનો પણ જાહેર કરાયેલ 72 ઉમેદવારોની યાદીમાં સમાવેશ કરાયો છે.

ઉમેદવારો ચૂંટણી અધિકારી પાસે આવતીકાલે ફોર્મ ભરવા જશે. 576 સીટ પર દરેક સીટ પર 60થી 70 કાર્યકર્તાઓએ દાવેદારી કરી હતી. તેમાં પણ સ્ક્રુટીની કરી યાદી તૈયાર કરી છે. આ અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, સંગઠનમાં જે પણ પદાધિકારીએ ટિકિટ માગી છે તેને ટિકિટ મળશે તો રાજીનામું આપવું પડશે અને તે જગ્યા તાત્કાલિક ભરી દેવામાં આવશે. ટિકિટ અંગે ઉમેદવારોને ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે. તેમજ આ ઉમેદવારો 5 ફેબ્રુઆરી વિજય મુહૂર્તમાં એટલે કે 12 કલાકને 39 મિનિટે ફોર્મ ભરશે.

21 ફેબ્રુઆરીના રોજ યોજાનારી 6 મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર પસંદગીના નિયમો બદલ્યા છે અને કઠોર નિર્ણય લીધા છે, જેમાં ભાજપ ભાઈ, ભાણિયા અને ભત્રીજા, 60 વર્ષથી વધુ ઉંમરના અને ત્રણ-ત્રણ ટર્મથી ચૂંટાતા દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું હતું કે પાર્લમેન્ટરી બોર્ડમાં ત્રણ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે કે 60 વર્ષથી વધુ ઉંમરનાકાર્યકર્તાઓને ટિકિટ આપવી નહીં, જેમની 3 ટર્મ પૂરી થઇ ગઇ હોય તેમને ટિકિટ નહીં આપવી અને આગેવાનોનાં સગાં-સંબંધીઓને ટિકિટ આપવી નહીં.

રાજ્યભરમાં 6 મહાનગરપાલિકાના વિસ્તાર તેમજ પંચાયત અને નગરપાલિકાના વિસ્તારમાં ત્રણ-ત્રણ નિરીક્ષકોની ટીમ મોકલવામાં આવી હતી. કાર્યકર્તાઓ પાસેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ પ્રત્યેક વોર્ડદીઠ 16 નામોની યાદી તૈયાર કરી છે. પ્રત્યેક વોર્ડદીઠ પેનલ બનાવવામાં આવી છે, જેની યાદી સુપરત કરી દેવામાં આવી છે. આ યાદીની ચર્ચા માટે જે-તે શહેર, પંચાયત, નગરપાલિકા વિસ્તારના સાંસદ, ધારાસભ્ય, પ્રમુખ અને મહામંત્રી સહિતનાને હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. તમામ સાથે ચર્ચાવિચારણાના અંતે 16 નામોની યાદી તૈયાર કરી મોકલી આપવામાં આવી છે, જેના પર પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ચર્ચા કર્યા બાદ ચોથી ફેબ્રુઆરીએ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફારથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. આ નિર્ણયથી ચૂંટણીમાં નવા ચહેરાને તક મળશે. અગાઉ વિવિધ કેમ્પ કે જૂથના દાવેદારોને તક અપાતી હતી આ નિયમથી જૂથવાદનું રાજકારણ ઘણે અંશે નબળું પડશે અને નવા ચહેરાને તક મળશે.

Tags:    

Similar News