અમદાવાદ : વોટસએપ કોલથી મંગાવાતું હતું એમડી ડ્રગ્સ, જુઓ શું છે આખો કિસ્સો

Update: 2021-04-26 12:13 GMT

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનો કારોબારનો પર્દાફાશ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વોટ્સએપ કોલ મારફતે MD ડ્રગ્સ મંગાવનાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે પાંચ લાખથી વધુનું ડ્રગ્સ કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં MD ડ્રગ્સનું વેચાણ ફરી શરૂ થયું છે. જુહાપુરા વિસ્તારમાં રહેતો શખ્સ તેના મિત્ર સાથે મળી MD ડ્રગ્સનું વેચાણ વોટ્સઅપ કોલના માધ્યમથી કરતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચને મળી હતી. જેના આધારે વોચ ગોઠવી વિશાલા સર્કલ પાસેથી બે યુવાનો પાસેથી 54 ગ્રામ જેટલું MD ડ્રગ્સ કબ્જે કર્યું છે. ફતેહવાડીના અતિક મંડલી નામના શખ્સ પાસેથી બંને યુવાનો ડ્રગ્સ ખરીદતા હતાં. જુહાપુરામાં રહેતો મહંમદ સુલતાન શેખ અને કાલુપુરનો મુસ્તકિમ શેખ ભાગીદારીમાં ડ્રગ્સનો ધંધો કરતાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બંને આરોપીઓ સ્કુટર પર ડ્રગ્સની ડીલીવરી માટે નીકળ્યાં હતાં ત્યારે પોલીસના સકંજામાં આવી ગયાં હતાં. પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી તપાસ કરાવડાવતાં આરોપીઓ પાસે રહેલું ડ્રગ્સ એમડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે બંનેની પૂછપરછ કરતા તેઓને વેચવા માટે ડ્રગ્સ જોઈતું હોવાથી અતિકને વોટ્સએપ પર કોલ કરી અને ડ્રગ્સ મંગાવ્યું હતું. સોનુ નામનો માણસ ડ્રગ્સ આપી ગયો હતો. પકડાયેલા બને આરોપીઓના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે, કેમ તે બાબતે તપાસ શરૂ કરાઇ છે. અને વોન્ટેડ આરોપીઓ પકડાયા બાદ ખુલાસા થશે કે કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવી રહયાં હતાં અને કેટલા લોકોને તે આ જથ્થો ડિલિવરી કરી ચુક્યા છે સહિતની બાબતોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Similar News