આણંદ : હાય રે મંદી… અપહરણકારો ખંડણીની રકમના બાંધી આપે છે હપ્તા, જુઓ તારાપુરની રસપ્રદ ઘટના

Update: 2020-01-22 12:30 GMT

દેશનો આર્થિક વિકાસ દર નીચે આવી રહયો છે ત્યારે દરેક ક્ષેત્રમાં લોકો મંદીનો સામનો કરી રહયાં છે અને તેમાંથી હવે ગુનેગારો પણ બાકાત રહયાં નથી. આવો જ કિસ્સો આણંદ જિલ્લાના તારાપુર ગામે પ્રકાશમાં આવ્યો છે. વેપારીનું અપહરણ કર્યા બાદ વેપારીએ ખંડણીની રકમ હપ્તામાં ચુકવી આપવાનું કહેતા તેમને મુકત કરાયાં છે.

તારાપુર ખાતે રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ્સનો વેપાર કરતાં નિલેશ પટેલની એન.કે. સ્ટીલ્સ નામની દુકાન આવેલી છે. બે દિવસ પહેલાં તેમના પરિવારજનો લગ્નપ્રસંગમાં ગયાં હતાં અને નિલેશભાઇ દુકાન બંધ કરી તેમના ઘરે ગયાં હતાં. તેઓ ઘરે પહોંચ્યાના થોડાક જ સમયમાં દલજીતસિંહ ચૌહાણ તેના અન્ય પાંચ સાગરિતો સિમેન્ટ લેવાના બહાને આવ્યાં હતાં. દલજીત ચૌહાણે નિલેશ પટેલના પેટના ભાગે છરો અડાવીને તેમને બોલેરોમાં બેસી જવા જણાવ્યું હતું. તેમને ગાડીમાં મહિયાર ગામે આવેલાં એક તબેલામાં લઇ જવાયા હતાં અને ખંડણી પેટે 5 કરોડ રૂપિયાની માંગણી કરાઇ હતી. દલજીત અને તેના સાગરિતોએ નિલેશને તેના પુત્રને ઉઠાવી જવાની પણ ધમકી આપી હતી. પોતાની પાસે 5 કરોડ રૂપિયા નહિ હોવાથી નિલેશે હપ્તે હપ્તે ખંડણીની રકમ ચુકવી આપવાની વાત કરી હતી આખરે 20 લાખ રૂપિયાનો હપ્તો નકકી થતાં અપહરણકારો નિલેશને તારાપુર ચોકડી પાસે છોડી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભમાં તેમણે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Similar News