ભરૂચ : કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર માટે પરિવારજનો બની રહયાં છે સ્થાનિકોના રોષનો ભોગ

Update: 2020-07-08 10:53 GMT

ભરૂચ જીલ્લામાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મોત બાદ મલાજો જાળવવામાં પણ તંત્ર નિષ્ફળ રહયું છે. સ્મશાનગૃહ બાદ હવે નર્મદા નદીના કિનારે પણ સ્થાનિકો મૃતદેહની અંતિમક્રિયા કરવા દેતાં નહી હોવાથી પરિવારજનોની હાલત કફોડી બની છે. બુધવારના રોજ પણ આવી જ એક ઘટના સામે આવી હતી.

ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસગ્રસ્ત દર્દીઓના મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કારનો મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલાં સ્મશાનગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર સ્થાનિકો કરવા દેતાં ન હોવાથી પરિવાજનોને મૃતદેહ સાથે રઝળપાટ કરવી પડી છે. સ્મશાનના બદલે નદી કિનારે અંતિમ સંસ્કાર કરવા જાય તો પણ સ્થાનિક લોકો વિરોધ કરે છે. સ્થાનિકો વિરોધ યોગ્ય છે પણ માનવીના મૃત્યુ પછી તેનો મલાજો જળવાય તે પણ એકદમ જરૂરી છે. બુધવારના રોજ ભરૂચમાં કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વિવાદ થયો હતો. મૃતદેહને બોરભાઠા ગામ નજીક નર્મદા નદીના કિનારે અંતિમ સંસ્કાર માટે લઇ જવાયો હતો. પણ ઘટનાની જાણ થતાં ગામના લોકો નદી કિનારે દોડી આવ્યાં હતાં અને વિરોધ કરવા લાગ્યાં હતાં. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. આખરે પોલીસ બંદોબસ્ત સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. કોરોના ગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Similar News