ભરૂચ : ચોમાસામાં ખાતરની કમઠાણ, સવારથી કતારમાં ઉભા રહે છે ખેડૂતો

Update: 2020-07-10 11:03 GMT

ભરૂચ જિલ્લામાં મેઘરાજાના આગમનની સાથે હવે ખેડૂતો ખાતરની ખરીદી માટે દોડધામ કરી રહયાં છે. નેત્રંગમાં ખાતરની ખરીદી માટે દુકાનની બહાર સવારે 4 વાગ્યાથી ખેડૂતોએ કતાર લગાવી દીધી હતી. લાઇનમાં ઉભા રહી થાકી ગયેલાં ખેડૂતોએ પોરો ખાવા માટે લાઇનમાં ચંપલો મુકી પોતાની જગ્યા રોકી હતી. ખાતરના વિક્રેતાઓ કહે છે કે ખાતરનો જથ્થો ઓછો મળી રહયો છે જયારે ખેતીવાડી વિભાગ કહે છે કે ખાતરનો પુરતો જથ્થો છે.

ભરૂચ જિલ્લામાં ધીમી ધારે મેહુલિયો વરસી રહયો છે. વરસાદના આગમનની સાથે ખેડૂતો વાવણી કાર્યમાં જોતરાય ગયાં છે. વાવણીની સીઝનનો પ્રારંભ થતાની સાથે હવે ખેડૂતો યુરિયા સહિતના ખાતરોની ખરીદી માટે દોડધામ કરી રહયાં છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં વાલીયા અને નેત્રંગ તાલુકા મથકો ખાતે સ્થાનિક ઉપરાંત આસપાસના ખેડૂતો ખાતરની ખરીદી માટે ઉમટી રહયાં છે. નેત્રંગની વાત કરવામાં આવે તો નેત્રંગમાં ખાતરનું વેચાણ કરતી દુકાનોની બહાર મળસ્કે 4 વાગ્યાથી લોકો લાઇનમાં ઉભા રહી છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને થાકી જતાં ખેડુતો આખરે લાઇનમાં પોતાના ચંપલો મુકી જગ્યા રોકી રહયાં છે. દુકાનની બહાર જોવા મળતાં દ્રશ્યો સાચા અર્થમાં હદયને હચમચાવી મુકે તેવા છે.

નેત્રંગ તાલુકામાં છેલ્લા ઘણા દિવસથી આસપાસના વિસ્તારોના ખેડૂતો ખાતરની ખરીદી માટે આવી રહયાં છે. ખાતરનું વેચાણ કરતી દુકાનોની બહાર લાગતી લાઇનના કારણે સોશિયલ ડીસ્ટન્સીંગ જળવાતું નથી પરિણામે કોરોના વાયરસના સંક્રમણનો ભય રહેલો છે. ખાતરના વિક્રેતાઓનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ખાતરની માંગ વધુ છે જેની સામે અમને પુરવઠો ઓછો મળી રહયો છે. અમે દરેક ખેડૂતને એક એક બોરી ખાતર હાલ આપી રહયાં છે.

નેત્રંગ તાલુકામાં ખાતર માટે સર્જાયેલી સમસ્યાના મુદે કોંગ્રેસે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણે જણાવ્યું હતું કે, હાલ ખેતીની સીઝન ચાલી રહી છે ત્યારે સરકાર ખેડૂતોને ખાતર પુરૂ પાડવામાં નિષ્ફળ રહી છે.

એક તરફ ખાતરના વિક્રેતાઓ ખાતરનો પુરવઠો ઓછો મળતો હોવાની ફરીયાદ કરી રહયાં છે તો બીજી તરફ ખેતીવાડી વિભાગના અધિકારીઓ ખાતરનો પુરતો જથ્થો હોવાનો દાવો કરી રહયાં છે. ભરૂચના ખેતીવાડી વિભાગના નિયામક વિજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, દરેક ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર મળશે અને ખેડૂતો દુકાને ઘસારો કરવાને બદલે સોશિયલ ડીસ્ટન્સ જાળવે તે જરૂરી છે.

Similar News