ભરૂચ : ઇખર અને વાગરા ગામે મુસ્લિમ સમાજ દ્વારા CAA/NRCના વિરોધમાં યોજાઇ રેલી

Update: 2020-01-03 12:35 GMT

CAA અને NRC બિલના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકોમાં ભારે નારાજગી સાથે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. CAA અને NRC બિલ રદ્દ કરવાની માંગ સાથે હજુ પણ દેશભરમાં ઠેર ઠેર મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા દેખાવો યોજી વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઇખર ગામમાં CAA અને NRC બિલના વિરોધમાં મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા વિશાળ રેલી યોજાઇ હતી. જુમ્માની નમાઝ બાદ મસ્જિદની બહાર મોટી સંખ્યામાં ગામના મુસ્લિમ સંપ્રદાયના લોકો એકત્ર થયા હતા. મુસ્લિમ સમાજના લોકોએ હાથમાં પ્લે કાર્ડ દર્શાવી કેન્દ્ર સરકારના કાળા કાયદાને રદ્દ કરવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઇખર ગામના મુસ્લિમોએ સ્વયંભૂ એકત્ર થઇ સખ્ત વિરોધ સાથે સરકાર સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.

વાગરા નગર ખાતે પણ સીટીઝન એમેનડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ મૌન રેલી યોજી સરકારના વિવાદાસ્પદ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો. વાગરાની જુમ્મા મસ્જિદ ખાતેથી મૌન રેલીનો પ્રારંભ સાથે એસ.ટી.ડેપો સર્કલ થઈ મેઈન બજાર, કોર્ટ વાળા માર્ગે આગળ વધીને વાગરા મામલતદાર કચેરીએ પહોંચી હતી. જ્યાં ફરજ પરના હાજર અધિકારીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યુ હતુ. આવેદન પત્રમાં વર્તમાન સરકાર દ્વારા લાદવામાં આવેલ CAA અને NRCના કાયદાને મુસ્લિમ વિરોધી અને સંવિધાનના ઉલ્લંઘન સમાન ગણાવી વિરોધ નોંધાવ્યો હતો. ઉક્ત કાયદો હિન્દૂ-મુસ્લિમ એકતા અને ભાઈચારા તેમજ દેશની અખંડિતતા પર તરાપ હોવાનું પણ દર્શાવ્યુ હતું.

Similar News