ભરૂચઃ દુકાન બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની ગુંડાગર્દી, વિડીયો થયો વાયરલ

Update: 2018-09-11 09:20 GMT

દુકાનદાર સાથે ઝપાઝપી કરતા કોંગ્રેસી કાર્યકરો વિરૂધ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે ગતરોજ ભરૂચનાં ઝાડેશ્વર રોડ ઉપર દુકાનો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોએ દુકાનદારો સાથે ઝપાઝપી કરી હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસી કાર્યકરોની ગુંડાગર્દી પ્રજા સમક્ષ મુકવા દુકાનદારોએ સોશિયલ મીડિયા ઉપર સીસી ફૂટેજ વિડીયો વાયરલ કર્યો છે. તો પોલીસે આ વીડિયોને લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બનાવની મળતી માહિતી અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ દ્વારા તારીખ 10 સપ્ટેમ્બરનાં રોજ ભારત બંધનું એલાન જાહેર કરાયું હતું. જેમાં ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના વિવિધ બજારો બંધ કરવા માટે કોંગ્રેસે અગ્રણીઓનું ટોળું વિવિધ વિસ્તારોમાં નીકળ્યુ હતું. ત્યારે ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલા શ્રીરંગ કોમ્પ્લેક્સની દુકાને બંધ કરવા કોંગ્રેસે અગ્રણીઓએ જણાવ્યું હતું. જે બાદ કોંગ્રેસી કાર્યકરોએ અને દુકાનદારો વચે કોઈ કારણોસર ઝપાઝપી થતાં સમગ્ર ઘટના દુકાનની બહાર લગાડવામાં આવેલા સીસી ફૂટેજ કેમેરામાં કેદ થઈ ગયા હતા. કોંગ્રેસ અગ્રણીઓના આવા વર્તન સામે સમગ્ર ભરૂચવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા શ્રી રંગ કોમ્પલેક્ષમાં આવેલી એચ.વી. મિસ્ત્રી એન્ડ સન્સની દુકાનના સંચાલક સાથે કોંગ્રેસી કાર્યકરોએ દુકાન બંધ કરાવવા મુદ્દે ઝપાઝપી કરી હતી.

જે સમગ્ર ઘટના દુકાનમાં આવેલા સીસી કેમેરામાં કેદ થઇ ગયા હતા. દુકાનદારે તાત્કાલિક ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ કોંગ્રેસી કાર્યકરોની ગુંડાગર્દી પ્રજા સમક્ષ ખુલ્લી પાડવા માટે કોંગ્રેસી કાર્યકરો અને દુકાનદારો વચ્ચે થયેલી ઝપાઝપીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.

Similar News