ભાવનગર : પ્રથમ તબક્કામાં 8 બાદ બીજા તબક્કામાં વધુ 3 મોબાઈલ પશુ વાનનું કરાયું લોકાર્પણ

Update: 2020-11-14 06:47 GMT

ગુજરાત સરકાર જીવદયા અને કરૂણાને વરેલી છે. એના પગલે મૂંગા જીવોની જીવન રક્ષા માટે વ્યાપક કરૂણા અભિયાન હાથ ધરવામાં આવે છે. આ કરુણા અભિયાનના જાણે કે એક સશક્ત કદમના રૂપમાં રાજ્ય સરકારના પશુપાલન વિભાગે, મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક માનવ સારવાર માટેની 108 સેવા જેવી જ પશુઓની જીવન રક્ષક સારવાર 1962 આધારિત ફરતા પશુ દવાખાનાની પહેલરૂપ સેવા શરૂ કરી છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાને પહેલા ફેઝમાં 8 અને બીજા ફેઝમાં 3 પશુ વાન અર્પણ કરાઈ હતી. જેને લીલી ઝંડી આપી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને રાજ્ય શિક્ષણમંત્રી વિભાવરી દવેએ જિલ્લા પંચાયત કચેરી, ભાવનગર ખાતેથી પ્રસ્થાન કરાવ્યુ હતું.

કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ નવા જ અભિગમ સાથે રાજ્યમાં પશુની સારવાર માટે 1962 મોબાઈલ પશુવાહન દવાખાનાની શરૂઆત કરવામાં આવી છે. જેના બીજા તબક્કામાં ભાવનગર જિલ્લામાં વધુ 3 મોબાઈલ પશુવાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં જેસર તાલુકાના બેલા ગામ ખાતે, પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી તથા મહુવા તાલુકાના કળસાર ગામ ખાતે કાર્યરત થશે. આ પશુ દવાખાનાની જ્યાં જરૂર હશે ત્યાં જઈ નિઃશુલ્ક સારવાર આપશે. કોરોનાના સમયમાં પણ રાજ્ય સરકાર દ્વારા આરોગ્યને લગતી તમામ નોંધપાત્ર કામગીરી કરી છે.

આ પ્રસંગે રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યુ હતુ કે 10 ગામ દિઠ ક્લસ્ટર મુજબ 1 એમ્બ્યુલન્સ પશુઓની સેવામા કાર્યરત રહેશે. જેના પહેલા ફેઝમાં 8 તેમજ બીજા ફેઝમાં 3 અને હજુ પણ ત્રીજા ફેઝમાં 8 એમ તબક્કાવાર કુલ 19 ફરતા પશુ દવાખાના ભાવનગર જિલ્લાને મળશે. શ્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે 108ની સેવા શરૂ કરી હતી. આજ પ્રણાલીને આગળ વધારી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માનવીની જેમ જ પશુઓની પણ દરકાર લીધી છે. ઘણા રાજ્યોમાં હાલ માનવીઓ માટે પણ એમ્બ્યુલન્સની સુવીધા નથી, ત્યારે ગુજરાત સરકારે પશુઓ માટે આ સુવિધાઓ ઉભી કરી માનવી જેટલુ જ પશુનુ જીવન પણ અમુલ્ય છે અને તેને રક્ષિત કરવા કટીબધ્ધ બની છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ વકતુ મકવાણા, ઉપપ્રમુખ બી.કે.ગોહિલ, મુકેશ લંગળીયા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બી.જે.સોસા, GVK સ્ટેટ હેડ સતિષ પટેલ સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ જી.વી.કે. ઈ.એમ.આર.આઈ.ના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Similar News