ભાવનગર : તનિષ્કના શોરૂમના માલિકનું અપહરણ કરી એક કરોડની ખંડણી વસુલાઇ

Update: 2020-02-27 07:05 GMT

ભાવનગરના વાઘાવાડી રોડ પર તનિષ્ક શોરૂમના સંચાલકનું અપહરણ કરી એક કરોડ રૂપિયાની ખંડણી વસુલવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. 25 દિવસ પહેલા બનેલી ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડયાં છે.

ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલ તનષ્કિ શો રૂમનાં સંચાલક મુકેશ જોધવાણી .29 જાન્યુઆરીએ સાંજે એકટીવા લઇને પસાર થઇ રહયાં હતાં. તે વેળા પતંજલિના સ્ટોર પાસે બે યુવાનોએ પોલીસની ઓળખાણ આપી તેમનું કારમાં અપહરણ કરી લેવાયું હતું. વેરાન જગ્યાએ લઇ જઇને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો. અપહરણકારોએ તેમની પાસેથી એક કરોડ રૂપિયાની માંગણી કરી હતી. શો રૂમમાં કામ કરતાં બે વ્યકતિઓએ 50 લાખ રૂપિયા રોકડા અને 50 લાખ રૂપિયાના ઘરેણા અપહરણકારો સુધી પહોંચાડી દીધા બાદ મુકેશ જોધવાણીનો છુટકારો થયો હતો.

ઘટના બાદ મુકેશ જોધવાણી હેબતાઇ ગયા હતાં અને તેમણે મોડે મોડે પોલીસને ઘટનાની જાણ કરી હતી. બનાવની ગંભીરતા પારખીને રેન્જ આઇ.જી.અશોકકુમાર યાદવે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી ગુનેગારોને ઝડપી પાડવા સુચના આપી હતી. ભાવનગર પોલીસની વિવિધ ટીમોએ તપાસ હાથ ધરી કુંભારવાડામાં રહેતા રોહિત માસા કોતર, મફતનગરમાં રહેતાં યશપાલ ચુડાસમા અને શકિતસિંહ ચુડાસમાને ઝડપી પાડયાં છે. ત્રણે આરોપીઓ પાસેથી 12 લાખ રૂપિયા રોકડા અને કાર સહિતનો મુદામાલ કબજે લેવાયો છે.

Similar News