છોટા ઉદેપુર : દમોલી ગામ નજીક બે પિતરાઇ ભાઈઓનું મર્ડર

Update: 2021-01-18 07:26 GMT

છોટા ઉદેપુર જીલ્લામાં લગ્નમાં જવા નીકળેલા બે પિતરાઇ ભાઈઓનાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. રંગપુર સઢલી ગામના બંને ભાઈઓની દમોલ ગામ નજીક હત્યાની આશંકા સાથે છોટા ઉદેપુર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

છોટા ઉદેપુર તાલુકામાં આવતા દમોલી ગામ પાસેથી હાઇવેની બાજુનાં ખાડામાંથી 2 યુવકોનાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. આ બંનેની ઓળખ રંગપુર સઢલી ગામનાં શૈલેશ રાઠવા ઉ. 21 અને દિપક રાઠવા ઉ. 20 પિતરાઇ ભાઈ હોવાની થઈ હતી. બંને ભાઈઓ ઉત્તરાયણનો પર્વ ઉજવવા અમદાવાદથી પોતાના વતન ખાતે આવ્યા હતા અને ગઈ કાલે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા હતા.

બાઇક લઈને જઈ રહેલા બંને ભાઈઓની દમોલ ગામ નજીક હત્યા કરવામાં આવી હોવાની શંકા તીક્ષ્ણ હથિયારનાં નિશાન અને મોટર સાઇકલની તૂટેલી હાલત પરથી પેદા થઈ છે. બંને ભાઈઓનાં મૃતદેહથી 100 અંતરની દૂરી પર બાઇક પડી હતી. બંને પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે સબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા હતા. આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની પણ આશંકા છે. છોટા ઉદેપુર – મધ્યપ્રદેશ હાઇવે પરના દમોલી ગામ પાસે લોકોના ટોળાં જામી ગયા હતા.

મૃતદેહ મામલે પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પ્રથમ નજરે પોલીસને અકસ્માતમાં હત્યા થઈ હોવાનું દ્રશ્યમાન થયું હતું. પરંતુ વધુ ચકાસણી કરતાં પોલીસને હત્યાની આશંકા લાગી હતી. કોઈક ઇસમોએ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી મૃતદેહ નાખી દીધાનાં અનુમાનથી પોલીસે તાત્કાલિક અસરથી હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

રંગપુર સઢલી ગામનાં યુવકો હોવાની જાણ થતાં તેમના પરિવારનાં સભ્યો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આશાસ્પદ યુવકોની હત્યાથી પરિવારનાં માથે જાણે આભ તૂટી પડ્યું હોય, ભારે આક્રોશ અને આક્રંદથી હૈયા હચમચાવી નાખે તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરિવારે તેમના દીકરાઓને પારિયાનાં ઘા મારી હત્યા કરી હોવાનો આક્ષેપ કરી પોલીસ પાસે સઘન તપાસ અને ન્યાયની માંગ કરી હતી.

છોટાઉદેપુર પોલીસે હત્યારાઓનાં હત્યાને અકસ્માતમાં ખપાવવાનાં નિરર્થક પ્રયાસનો પર્દાફાશ કર્યો છે. હત્યારાઓ હત્યાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. રંગપુર પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી તેમણે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Tags:    

Similar News