કચ્છ : રણોત્સવને એક માસ લંબાવાયો છતાં પ્રવાસીઓની સંખ્યામાં 38 ટકાનો ઘટાડો

Update: 2020-03-14 10:01 GMT

કચ્છમાં યોજાતા રણોત્સવને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. વાયરસના ડરના કારણે રણોત્સવમાં આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ગત વર્ષની સરખામણીએ 38 ટકાનો ઘટાડો નોંધાયો છે.

વિશ્વ વિખ્યાત બનેલા કચ્છના રણોત્સવનો સમયગાળો ચાલુ વર્ષે એક માસ સુધી વધારવામાં આવ્યો હતો. જોકે પ્રવાસીઓની સંખ્યા વધવાના બદલે ઉલટાની ઘટી છે. પ્રવાસીઓની સંખ્યા ઘટવાના પગલે તંત્રને પરમિટ પેટે થતી આવકમાં પણ 87 લાખનું મોટું ગાબડું પડ્યું છે. ગત વર્ષે ચોમાસુ લાંબુ ખેચાવાન કારણે કચ્છના રણમાં પાણીનો ભરાવો થતાં રણોત્સવ નિયત સમય કરતાં મોડો શરૂ થયો હતો. પ્રવાસીઓની સુવિધા માટે રણોત્સવને 12 માર્ચ સુધી લંબાવવામાં આવ્યો હતો. એક માસનો સમયગાળો વધારવામાં આવ્યો હોવા છતાં રણોત્સવમાં આવતાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે વિદેશી પ્રવાસીઓ અને બોર્ડની પરીક્ષાના લીધે સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા ઘટી હોવાની શકયતાઓ જોવાય રહી છે.ગત વર્ષે 3.50 લાખ જેટલા પ્રવાસીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી અને તંત્રને 2.66 કરોડ રૂપિયાની આવક થઇ હતી. આ વર્ષે 2.18 લાખ પ્રવાસીઓએ રણોત્સવનો આનંદ માણ્યો હતો અને તંત્રને 1.79 કરોડ રૂપિયાની આવક થઇ છે.

Similar News