લાલા લાજપત રાયની જન્મજયંતી: એવી વ્યક્તિ જેમણે પહેલી સ્વદેશી પંજાબ નેશનલ બેંક ખોલી

Update: 2021-01-28 09:31 GMT

લાલા લાજપત રાય જે એક મહાન સ્વતંત્રતા સેનાની તો હતા જ સાથે જ તેમણે દેશમાં પ્રથમ સ્વદેશી બેંક ખોલીને લોકોમાં નવો વિશ્વાસ ઊભો કર્યો હતો. પંજાબ નેશનલ બેંક નામની આ બેંક હવે મોટી બેંકનું આકાર લઈ ચૂકી છે.

આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની લલા લાજપત રાયની જન્મજયંતિ છે. લાલા લાજપત રાયનો જન્મ 28 જાન્યુઆરી 1865ના રોજ પંજાબના મોંગા જિલ્લામાં થયો હતો. લાલા લાજપત રાયે રાજકારણી, લેખક અને વકીલ તરીકે દેશમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આર્ય સમાજથી પ્રભાવિત લાલા લજપત રાયે દેશભરમાં તેનો પ્રચાર કર્યો. પંજાબમાં તેમના કામોને લીધે તેમને પંજાબ કેસરીનું બિરુદ મળ્યું.

લાલા લાજપત રાયના પિતા મુનશી રાધા કૃષ્ણ આઝાદ ઉર્દૂના શિક્ષક હતા. લાલા લાજપત રાય બાળપણથી જ વૈવિધ્યપુર્ણતા સાથે સમૃધ્ધ હતા. 1880માં તેમણે એક જ વર્ષે કલકત્તા અને પંજાબ યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા પાસ કરી. 1882માં તેમણે એફએ પરીક્ષા પાસ કરી. આ પછી તેમણે વકીલાતની ડિગ્રી સાથે પ્રેક્ટિસ શરૂ કરી. આ સમય દરમિયાન તેઓ આર્ય સમાજ સાથે સંપર્કમાં આવ્યા અને તેના સભ્ય બન્યા. 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ ત્યારથી લાલા લાજપત રાયનું આમાં આગવું સ્થાન હતું.

સ્વામી દયાનંદ સરસ્વતી સાથે જોડાઈ તેમણે પંજાબમાં આર્ય સમાજ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી હતી. લાલાજી એક બેન્કર પણ હતા. તેમણે દેશને પ્રથમ સ્વદેશી બેંક આપી. પંજાબમાં લાલા લાજપત રાયે પંજાબ નેશનલ બેંકના નામ પહેલાં સ્વદેશી બેંકનો પાયો નાખ્યો હતો. એક શિક્ષણશાસ્ત્રી તરીકે તેમણે દયાનંદ એંગ્લો વૈદિક શાળાઓનો પણ પ્રસાર કર્યો. આજે આપણે દેશમાં ડી.એ.વી.ના નામથી જે શાળાઓ જોઈએ છે તેનું અસ્તિત્વમાં આવવા પાછળનું મુખ્ય કારણ લાલા લજપત રાય જ હતા.

લાલાજી દેશના એ અગ્રણી નેતાઓમાં હતા જે બ્રિટિશ રાજની વિરુદ્ધ નિર્ભયતાથી સામે આવ્યા અને દેશવાસીઓમાં રાષ્ટ્રવાદની ભાવના ફેલાવી. તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈપણ મુદ્દા પર સરકાર સાથે સીધા મુકાબલો કરવો ટાળતી હતી. લાલા લાજપત રાયે મહારાષ્ટ્રના લોકમાન્યા બાલ ગંગાધર તિલક અને બંગાળના બિપિનચંદ્ર પાલે કોંગ્રેસની અંદર 'ગરમ દળ' સ્થાપિત કર્યું. તે સમયે ત્રણેયને લાલ-બાલ-પાલના ત્રિપુટી તરીકે ઓળખવામાં આવ્યાં હતાં.

બ્રિટિશ રાજના વિરોધને કારણે લાલા લાજપત રાયે બર્માની જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. જેલમાંથી આવ્યા પછી તે અમેરિકા ગયા ત્યાંથી પાછા આવીને ગાંધીજીના ભારતમાં પહેલી મોટી ઝુંબેશ એટલે કે ‘અસહયોગ આંદોલન’નો એક ભાગ બન્યા.

બ્રિટિશ રાજ સામે લાલાજીનો અવાજ પંજાબમાં એક પથ્થરની લકીર માનવામાં આવતો હતો. પંજાબમાં તેમનો પ્રભાવ જોઈને લોકો તેમને પંજાબ કેસરી એટલે કે પંજાબનો સિંહ કહેતા હતા. વર્ષ 1928માં બ્રિટિશ રાજે ભારતમાં કાયદાકીય સુધારા લાવવા સાયમન કમિશનની રચના કરી. આ કમિશનમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. આ પંચે બોમ્બેમાં ભારતીય ભૂમિ પર પગ મૂક્યો ત્યારે તેના વિરોધમાં 'સાયમન ગો બેક'ના નારા લાગ્યા હતા.

લાલા લાજપત રાયે પંજાબમાં તેના વિરોધનું નેતૃત્વ સંભાળ્યું. જ્યારે આ પંચ લાહોર પહોંચ્યું ત્યારે લાલાજીના નેતૃત્વ હેઠળ કાળા ઝંડા બતાવીને વિરોધ કરવામાં આવ્યો. ત્યાર બાદ બ્રિટીશ પોલીસે શાંતિપૂર્ણ ભીડ ઉપર લાઠીચાર્જ કર્યો હતો. આ લાઠીચાર્જમાં લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં પણ લાલા લજપત રાયએ કહ્યું હતું કે તેમના શરીર પર પડેલી દરેક લાકડી બ્રિટિશ રાજના શબપેટીમાં છેલ્લી ખીલી સાબિત થશે. લાલા લાજપત રાય 18 દિવસ ઘાયલ સ્થિતિમાં રહ્યા બાદ 17 નવેમ્બર 1928ના રોજ અવસાન પામ્યા.

લાલા લાજપત રાયના નિધન પર દેશભરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બ્રિટીશ રાજ સામે રોષ ફેલાવા લાગ્યો. મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ 17 ડિસેમ્બર 1928માં લાલાજીની મૃત્યુનો બદલો લેવા બ્રિટિશ પોલીસ અધિકારી સાંડર્સને ગોળી મારી દીધી હતી.

બાદમાં ભગતસિંહ અને તેમના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફાંસી પણ આપી હતી. આ ત્રણેય ક્રાંતિકારીઓના મોતને લીધે દેશભરમાંથી લાખો લોકો બ્રિટીશ સરકારની વિરુદ્ધ ઊભા થયા અને એક આંદોલન બનાવ્યું જેને દબાવવાની ક્ષમતા બ્રિટિશ સરકારમાં ન હતી.

લાલા લાજપત રાય આખી જીંદગી દરમ્યાન બ્રિટિશ સરકાર સામે ભારતીય રાષ્ટ્રવાદને મજબૂત બનાવવાની પ્રયાસોમાં વ્યસ્ત હતા. તેમના મૃત્યુથી આ આંદોલનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું લાલા લાજપત રાયના મૃત્યુના 20 વર્ષ બાદ ભારતને આઝાદી મળી.

Tags:    

Similar News