LRD મહિલા ભરતી સંદર્ભે રાજ્ય સરકારનોમોટો નિર્ણય, જુઓ શું કહ્યુ નાયબ મુખ્યમંત્રીએ

Update: 2020-02-17 09:22 GMT

એલઆરડીની ભરતી મામલે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગર ખાતે ગઇકાલે પત્રકાર પરિષદ યોજી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ગુજરાતમાં એલ.આર.ડી. મહિલા ભરતી સંદર્ભે ચાલી રહેલા વિવાદમાં લાયકાત ધરાવતી કોઇ બહેનોને અન્યાય ન થાય તેવો નિર્ણય રાજય મંત્રી મંડળના મંત્રીઓ, પક્ષના પદાધિકારીઓ અને અનામત તથા બિનઅનામત વર્ગના તમામ અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા બાદ કર્યો છે તેમ જાહેર કર્યું છે. હવેથી તા. 1-8-2018ના પરિપત્ર અનુસાર નહિ પરંતુ 1997 પ્રમાણે મહિલા અનામત અપવામાં આવશે. 62.5 ટકા મેળવનાર તમામ મહિલાઓની ભરતી કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તાજેતરમાં એલ.આર.ડી. ભરતી બોર્ડ દ્રારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી તેમાં રાજય સરકારના તા.1-8-2018 ના પરિપત્રને કારણે વિવાદ થયો તે અંગે અનામત અને બિનઅનામત વર્ગના સમાજ પ્રતિનિધિઓ-અગ્રણીઓ અને અસરકર્તા બહેનોએ રજૂઆત કરી હતી.તેમણે ગુજરાતમાં સૌ સમાજ વર્ગો સરકાર સાથે મળીને ખભે ખભો મીલાવીને ગુજરાતને વિકાસની ઉંચાઇઓ પાર કરાવી દેશમાં અગ્રીમ રાજય બનાવવા કાર્યરત છે તેમ જણાવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Similar News