નવસારી : ભારે પવન સાથે વરસાદ વરસતા જલાલપોર નજીક વિશાળ વૃક્ષ ધરાશાયી, જુઓ NDRFની ટીમે શું કર્યું..!

Update: 2020-07-06 07:05 GMT

નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાક વરસેલા ભારે વરસાદ બાદ સોમવારની વહેલી સવારે જલાલપોર વિસ્તારના મુખ્ય માર્ગ પર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું. જોકે સ્ટેન્ડબાય રહેલી NDRFની ટીમે વૃક્ષને દૂર કરીને માર્ગને પુનઃ શરૂ કર્યો હતો.

હવામાન વિભાગની અગાહીના પગલે દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે નવસારી જિલ્લામાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે સોમવારની વહેલી સવારે નવસારીથી જલાલપોરને જોડતા મુખ્ય માર્ગ પર ભારે પવન અને વરસાદના કારણે તોતિંગ વૃક્ષ ધરસાઈ થયું હતું. જેથી રાહદારીઓને અવરજવર માટે મોટી મુશ્કેલી ઊભી થવાની શક્યતા હતી.

નવસારીમાં તૈનાત NDRFની ટીમે દોઢ કલાકની ભારે જહેમત બાદ વિશાળ વૃક્ષને કટર વડે કાપી મુખ્ય માર્ગથી દૂર કરતા વાહન વ્યવહાર ફરી પૂર્વવત થયો હતો. જોકે વડોદરાથી નવસારી સ્ટેન્ડબાય થયેલી 20 જવાનની ટુકડી આગામી 24 કલાક નવસારી જિલ્લામાં સંભવિત હોનારત સામે રેસક્યું સહિત અન્ય કુદરતી આફત સામે તૈનાત કરવામાં આવી છે.

Similar News