રાજયના પુર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ સામે મુંબઇ પોલીસે મોહન ડેલકર કેસમાં નોંધી ફરિયાદ

Update: 2021-03-10 11:55 GMT

દાદરાનગરહવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના આપઘાત પ્રકરણમાં મુંબઇ પોલીસે ગુજરાતના પુર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલ સામે ગુનો નોંધ્યો છે.

ગુજરાતના પુર્વ ગૃહમંત્રી અને દાદરા નગરહવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ફરતે મહારાષ્ટ્ર સરકારે ગાળિયો મજબુત બનાવી દીધો છે. દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે મુંબઇની હોટલમાં આપઘાત કરી લીધો હતો. તેમણે હોટલના રૂમમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. તેમની પાસેથી ગુજરાતી ભાષામાં લખેલી છ પાનની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં દાદરા અને નગરહવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા કરવામાં આવતી હેરાનગતિનો ઉલ્લેખ કરાયો હતો.

પ્રફુલ્લ પટેલ તથા વહીવટીતંત્ર તરફથી કરાતી ઉપેક્ષાથી કંટાળી મોહન ડેલકરે આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવી રહયું છે. મોહન ડેલકરના મોત બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહયો છે. એક તરફ મુકેશ અંબાણીના ઘરની બહારથી વિસ્ફોટકો મળવાની ઘટનાની તપાસ દેશના ગૃહમંત્રાલયે એનઆઇએને સોંપી છે તેના ગણતરીના કલાકો બાદ મુંબઇ પોલીસે પ્રફુલ્લ પટેલ સામે ગુનો નોંધ્યો છે. દાદરા અને નગરહવેલીના પ્રશાસક અને ગુજરાતના પુર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલની હવે ગમે ત્યારે મુંબઇ પોલીસ ધરપકડ કરી શકે છે. આ પ્રકરણમાં દાદરા અને નગરહવેલીના કલેક્ટર અને પૂર્વ પોલીસ અધિક્ષક સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Tags:    

Similar News