રાજપીપળાઃ કેળા પકવતા ખેડૂતોને રાતા પાણીએ ન્હાવાનો વારો

Update: 2018-07-26 07:13 GMT

તહેવારોનાં આગમન વચ્ચે પણ ટ્રાન્સ્પોર્ટરોની હડતાળથી કેળાનું વેચાણ અટકી પડ્યું

હાલ દેશભરમાં ચાલી રહેલી ટ્રાન્સપોર્ટરોની હડતાલનાં પગલે ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલમાં ધાર્મિક તહેવારો શરૂ થઈ ગયા છે. તેવામાં સામાન્ય રીતે કેળાનાં ૨૦ કીલોનાં ભાવ ૨૫૦-૩૦૦ રૂપિયા હોય છે. જે હાલમાં ભાવ ગગડીને ૮૦ થી ૧૦૦ રૂપિયા થયા બાદ હાલ કોઇ લેવાલ પણ નથી.

દેશભરમાં ટ્રાન્સપોર્ટરોની હડતાલ ચાલી રહી છે. જેનાં પગલે ખાદ્ય ચીજોમાં તો ભાવવધારો તોળાઇ તો રહ્યો છે જ પરંતુ તેની વિપરીત અસર કેળા પકવતા ખેડુતો પર પડી રહી છે. નર્મદા જીલ્લો કેળાનાં પાક માટે હબ ગણાય છે. અહીં નર્મદા નદીના કિનારે પાક્તા કેળાની વિદેશોમાં ભારે માંગ રહે છે. જેનાં પગલે આ કેળાની મોટા પાયે નિકાસ થાય છે. તો બીજી બાજુ ૫૦ ટકા કેળા રાજસ્થાન, દિલ્હી, હરીયાણા અને પંજાબ તરફ મોકલવામાં આવે છે. પરંતુ હાલ ટ્રાન્સ્પોર્ટરોની હડતાલની વિપરીત અસરને કારણે બહારનાં રાજ્યોનાં વેપારીઓ કેળા ખરીદતા અચકાઇ રહ્યા છે. જેથી હાલ સ્થાનિક વેપારીઓ પણ ખેડુતો પાસેથી માલ ખરીદી બંધ કરી છે. જેનાં કારણે ખેડુતોનાં કેળા ખેતરમાં જ પાકી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

ટ્રાન્સપોર્ટરની હડતાલનાં પગેલે ટ્રકોની અવર જવર બંધ થઇ ગઇ છે. જેથી વેપારીઓ હવે ૮૦-૧૦૦ રૂપિયા પ્રતિ કિલો કેળાની ખરીદી કરતા અચકાઇ રહ્યા છે. જેથી હવે સ્થિતિ એવી આવી છે કે, ખેડુતો કેળાનું કટીંગ કરી શકતા ન હોવાનાં કારણે ખેતરમાં જ કેળા પાકી જાય તેવી સ્થિતિ વચ્ચે મજબુરીમાં કેળા કટીંગ કરીને ખેતર અને ગામ બહાર ખડકી દેવાય છે. તો પણ કોઇ વેપારી હવે કેળાની ખરીદી ન કરતાં હોવાનાં કારણે હવે ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જેથી ખેડુતોને આ વર્ષે લાખોની ખોટ સહન કરવી પડે તેવી પરીસ્થિતી સર્જાઇ છે. તેઓ સરકારને અપિલ કરી રહ્યા છે કે જલ્દીથી ટ્રાન્સ્પોર્ટરોની હડતાલ સંબંધે તેઓ સાથે વાટાઘાટો ચલાવીને જલ્દીથી નિકાલ આવે તે માટે વિનંતી કરી રહ્યા છે. તો સામે પક્ષે સ્થાનિક કેળાનાં વેપારીઓ પણ હડતાલ પુરી થાય તો જ ખેડૂતો ને લાભ મળી શકે તેમ જણાવી રહ્યા છે.

ચાતુર્માસની શરૂઆત બાદ અનેક ધાર્મિક તહેવારો આવે છે. ખાસ કરીને હાલમાં ગૌરીવ્રત ચાલી રહ્યુ છે. જેમાં ઉપવાસમાં કેળાની માંગ સૌથી વધુ રહે છે. જેનાં કારણે ખેડુતોને પણ ૫૦-૩૦૦ રૂપિયા પ્રતિ ૨૦ કીલો મળી રહે છે. પરંતુ ટ્રાન્સ્પોર્ટરોની હડતાલનાં પગલે કેળાનાં પાકનો કોઇ લેવાલ નથી. જેનાં કારણે ખેડુતોને મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.

Similar News