સ્ટેચ્યુ ઓફ યુનિટી : રાજવીઓનું મ્યુઝિયમ હજુ સુધી ન બનતા રાજપૂત સમાજમાં નારાજગી

Update: 2020-03-06 07:26 GMT

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજવીઓનું હજુ સુધી મ્યુઝિયમ ન બનતા ક્ષત્રિય રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. રાજપૂત સમાજે મ્યુઝિયમ જલ્દી બનાવવાની માંગ સાથે નર્મદા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ

સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર પટેલ કે જેમને દેશને અખંડ ભારત બનાવવા માટે 562 રજવાડાંઓને એકત્ર કરી અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું ત્યારે મહાપુરુષો તથા દાનવીરોનું સન્માન કરવાની આગવી પરંપરા આપણી સંસ્કૃતિની વિશેષતા છે. સરદાર પટેલના એક આહવાન પર રાજવીઓએ પોતાના રજવાડા સરદાર પટેલને એક ઝાટકે આપી દીધા હતા ત્યારે ગત વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજવીઓના ત્યાગ અને બલિદાનને યાદ કરી બધા રાજવીઓની માહિતી તથા ઇતિહાસ સાથેનું એક મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી હતી પણ ઘણો સમય વીતી ગયો છતાં મ્યુઝિયમ બનાવવાનું કોઈપણ કામ હજુ સુધી શરુ કરવામાં નથી આવ્યું.

જેને ધ્યાને રાખતા આજે રાજપૂત સમાજના આગેવાનો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીને આવેદન પત્ર આપી જણાવ્યું કે વહેલી તકે આ મ્યુઝિયમ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવે.

Similar News